સોના અને ચાંદીની કિંમતોમાં સતત બીજા દિવસે ભારે તેજી જોવા મળી છે અને બંને ધાતુઓએ પોતાના જૂના તમામ રેકોર્ડ તોડી નવા ઑલ-ટાઈમ હાઈ નોંધાવ્યા છે. ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ એમસીએક્સ પર ફેબ્રુઆરી વાયદાનું સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૧,૩૫,૨૨૪ સુધી પહોંચ્યું હતું, જ્યારે માર્ચ વાયદાની ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ.૨,૧૩,૪૧૨ના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ હતી. વૈશ્વિક બજારમાં પણ તેજી યથાવત્ રહી હતી, જ્યાં સ્પોટ ગોલ્ડ ૪,૪૦૦ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી ૬૯.૨૩ ડૉલર પ્રતિ ઔંસ સુધી ઉછળી હતી.
સોના અને ચાંદીના ભાવમાં આવેલા આ જોરદાર વધારાની પાછળ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની વધતી અપેક્ષાઓ તેમજ વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૂ-રાજકીય તણાવને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત એસેટ તરીકે સોના-ચાંદી તરફ વળતા હોવાથી કિંમતોને વધુ ટેકો મળી રહ્યો છે. ભારતીય બજારમાં પણ કિંમતોમાં તીવ્ર વધારો નોંધાયો છે. આજે ૨૪ કેરેટ સોનાનો ભાવ વધીને રૂ. ૧,૩૬,૧૬૦ પ્રતિ ૧૦ ગ્રામ થયો છે, જ્યારે ગઈકાલે તે રૂ.૧,૩૪,૧૭૦ હતો. સાથે જ ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૨૪,૮૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૧૮ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૦૨,૧૨૦ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચ્યો છે.
ચાંદીનો ભાવ પણ ઉછળીને રૂ.૨,૧૯,૧૦૦ પ્રતિ કિલોગ્રામ થયો છે. મોટા શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં આજે ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૩૬,૩૧૦ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો છે, જ્યારે ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ. ૧,૨૪,૯૬૦ રહ્યો છે. મુંબઈ અને કોલકાતામાં ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૩૬,૧૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીનો ભાવ રૂ.૨,૧૯,૧૦૦ પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. ચેન્નાઈમાં સોનાની સાથે ચાંદીના ભાવ વધુ ઊંચા રહ્યા હતા, જ્યાં ચાંદી રૂ.૨,૩૧,૧૦૦ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ હતી. વૈશ્વિક પરિસ્થિતિમાં અનિશ્ચિતતા યથાવત્ રહેતી રહેશે તો સોના અને ચાંદીના ભાવોમાં આવનાર દિવસોમાં પણ ઉતાર-ચઢાવ સાથે તેજીનો રુઝાન ચાલુ રહી શકે છે.

