સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સ્મોલ અને મિડકેપ કંપનીઓનું સારું પ્રદર્શન…!!


સ્મોલ અને મિડકેપ કંપનીઓએ આ વખતે મોટી કંપનીઓની સરખામણીએ ઘણી વધુ કમાણી કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બીજા ક્વાર્ટરમાં, નિફ્ટી-૫૦માં સામેલ મોટી કંપનીઓનું પ્રદર્શન નબળું રહ્યું છે, જ્યારે નાની અને મધ્યમ કદની કંપનીઓએ મજબૂત વૃદ્ધિ દર્શાવી છે. નિફ્ટી-૫૦ કંપનીઓના વેચાણમાં માત્ર ૬.૪% નો વધારો થયો છે, જે છેલ્લા ૧૭ ક્વાર્ટરમાં સૌથી નબળી વૃદ્ધિ છે. કમાણીના મામલે પણ મોટી કંપનીઓ ફસડાઈ ગઈ છે. નિફ્ટી-૫૦ કંપનીઓના નફામાં માત્ર ૧.૨%નો વધારો નોંધાયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે. તેની સામે, દેશની બાકીની તમામ લિસ્ટેડ ૨૬૪૭ કંપનીઓના કુલ નફામાં ૧૦.૮% નો મજબૂત વધારો થયો છે.

મોટી કંપનીઓની નબળી કમાણીના કારણે કુલ કોર્પોરેટ નફામાં તેમનો હિસ્સો ઘટીને ૫૦% પર આવી ગયો છે, જે છેલ્લા પાંચ વર્ષનું સૌથી નીચું સ્તર છે. ત્રણ વર્ષ પહેલાં આ હિસ્સો લગભગ ૬૦% હતો. આ ક્વાર્ટરમાં નિફ્ટી-૫૦ કંપનીઓનો કુલ નફો રૂ.૧.૮૧ ટ્રિલિયન રહ્યો છે. ગયા વર્ષ કરતાં થોડો વધારે, પરંતુ છેલ્લા ચાર ક્વાર્ટરમાં સૌથી ઓછો. તેની સામે, બાકીની કંપનીઓનો નફો વધીને રૂ.૩.૬૨ ટ્રિલિયન પર પહોંચ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓની કમાણી સૌથી વધુ તેજ રહી છે. મિડકેપ-૧૫૦ કંપનીઓના નફામાં ૨૭% અને સ્મોલકેપ-૨૫૦ કંપનીઓના નફામાં ૩૭%નો ઉછાળો નોંધાયો છે, જ્યારે મોટી નિફ્ટી-૧૦૦ માત્ર ૧૦% વૃદ્ધિ સાથે પાછળ રહી છે.

ખાનગી બેંકો અને મોટી ઓટો કંપનીઓના નબળા પરિણામો પણ ફ્રન્ટલાઈન કંપનીઓ પર દબાણ વધારી રહ્યા છે. વિશ્લેષકો જણાવે છે કે ઊર્જા, ધાતુઓ, સિમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મટિરિયલ્સ અને ઓટો જેવા ચક્રીય ક્ષેત્રોએ આ વખતની કમાણીમાં સૌથી મોટો ફાળો આપ્યો છે. આ ક્ષેત્રોની ઘણી કંપનીઓ નિફ્ટી-૫૦માં સમાવેશ પામતી નથી, જ્યારે નિફ્ટી-૫૦નું વજન બેંકિંગ, આઈટી, એફએમસીજીઅને તેલ-ગેસ જેવા ક્ષેત્રો પર વધુ છે, અને આ ક્ષેત્રોમાં આ ક્વાર્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી નથી. વિશ્લેષકોનું માનવું છે કે મોટી અને નાની કંપનીઓ વચ્ચેનો આ તફાવત કાયમી નથી.

મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓની તેજ કમાણી પીછલા વર્ષની નબળી આધારરેખા ને કારણે છે, તેમજ કેટલાક ક્ષેત્રોમાં જોવા મળેલી તેજી ટૂંકા ગાળાની હોઈ શકે છે. બીજી તરફ, મોટી કંપનીઓની કમાણી આવનારા મહિનાઓમાં સુધરી શકે છે, જેનાથી બંને વચ્ચેનો તફાવત ઘટી શકે છે. જોકે, બજારમાં જોવા મળેલા જથ્થાબંધ ડેટા સૂચવે છે કે કર ઘટાડા પછી પણ ગ્રાહકોની ખરીદીમાં ખાસ વધારો થયો નથી. સાથે જ તાજેતરમાં નિકાસમાં ઘટાડો નોંધાતા ભવિષ્યમાં કોર્પોરેટ કમાણી અને વૃદ્ધિ પર દબાણ વધવાની શક્યતા છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *