દાંતા તાલુકામાં મનરેગાના કામોમાં ગંભીર આક્ષેપો : ડમી ખાતા અને વચેટિયાઓનો ખેલ

દાંતા તાલુકામાં મનરેગાના કામોમાં ગંભીર આક્ષેપો : ડમી ખાતા અને વચેટિયાઓનો ખેલ

વધુ ગામડાઓમાં ગેરરીતીનો રેલો પહોંચવાની શકયતા

​બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાં મનરેગા  યોજનામાં થયેલા કથિત કરોડોની ગેરરીતીના ગંભીર આક્ષેપોને લઈને હડકંપ મચી ગયો છે. એક દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારી  સમક્ષ સ્થાનિકો અને શ્રમિકોના આગેવાનો દ્વારા આ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ આક્ષેપો અનુસાર, મનરેગાના શ્રમિકોના નામે ડમી ખાતાઓ ખોલવામાં આવ્યા છે અને તેમની મહેનતની મજૂરી વચેટિયાઓ દ્વારા ખોલવામાં આવેલા આ ડમી ખાતાઓમાં જમા કરવામાં આવી રહી છે. પંથકમાં 300 થી વધુ શ્રમિકોને જોબકાર્ડ આપવામાં આવ્યા હોવા છતાં, શ્રમિકો પાસેથી કામ લીધા બાદ તેમના ખાતામાં માત્ર એક સપ્તાહનું જ મહેનતાણું ચૂકવવામાં આવતું હોવાનો આક્ષેપ શ્રમિકો કરી રહ્યા છે, જ્યારે બાકીના નાણાં વચેટિયાઓના ખાતામાં જમા થઈ જતા હોવાનું આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યું હતું. શ્રમિકને દિવસના રૂ.288 પ્રમાણે 90 દિવસના રૂ. 25,920 મળવા જોઈએ, પરંતુ તેમને માત્ર 1,700 થી રૂ. 4,500 જેટલી નજીવી રકમ જ મળતી હોવાની ફરિયાદ શ્રમિકોએ કરી છે.

મનરેગા કૌભાંડના આ મામલાની વધુ વિગતો જાણવા માટે અમારી મીડિયા ટીમે તળેટી ગામના શ્રમિકો સાથે વાતચીત કરી હતી, જ્યાંથી વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. 40 થી વધુ શ્રમિકોના લાખો રૂપિયા એજન્ટો અને અધિકારીઓ દ્વારા ચાઉં કરી દેવામાં આવ્યા હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે. આ શ્રમિકોને છેલ્લા 13 મહિનાથી એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. અંદાજે એક-એક વ્યક્તિના રૂ.25,000 ના હિસાબે રૂ.10 લાખનું કૌભાંડ માત્ર આ 40 શ્રમિકોના સંદર્ભમાં થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. ગેરરીતિ આચરવા માટે અધિકારીઓ દ્વારા શ્રમિકોના નામે ફીનો અને એરટેલ પેયમેન્ટ બેન્ક જેવી પ્રાઇવેટ બેંકોમાં ખાતાઓ ખોલવામાં આવ્યા છે.

​તેની રીતભાત પણ અત્યંત ચિંતાજનક છે.જેમાં ખાતા ખોલ્યા બાદ દરેક વ્યક્તિના એટીએમ કાર્ડ પણ અધિકારીઓ પોતે જ પોતાની પાસે રાખતા હોવાની બુમરાડ ઉઠી છે. સરકારી બેંકમાં ખોલાવેલા ખાતામાં એક પણ રૂપિયો જમા ન કરીને બધો વ્યવહાર પ્રાઇવેટ બેંક મારફતે કરવામાં આવ્યો હતો, જેના થકી આ ગેરરીતિ આચરવામાં આવી છે. ઘણા શ્રમિકો તો એ પણ નથી જાણતા કે પોતાનું જોબકાર્ડ કેવું હોય છે ? કારણ કે તે પણ તેમને મળવાનું નસીબ થયું નથી. શ્રમિકોએ માંગ કરી છે કે જો આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *