સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડ તસીયા રોડ પર આવેલી શારદાકુંજ સોસાયટીમાં એક ધોબીની દુકાનમાં ગત રાત્રે અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં દુકાનનો સરસામાન અને ગ્રાહકોના કપડાં બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શારદાકુંજ સોસાયટીમાં આવેલી ઝીલ વોશિંગ કંપનીની દુકાનમાં શનિવારે રાત્રે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ ઝડપથી દુકાનમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે ગ્રાહકોના કપડાં સહિતનો તમામ સામાન બળી ગયો હતો. આગની જાણ પડોશીઓએ દુકાન માલિક શીતલબેન અજયભાઈ ધોબીને કરી હતી, જેઓ ગાયત્રી મંદિર રોડ પર રહે છે. તેઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા, ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી દીધી હતી.

