ડીસા માર્કેટયાર્ડમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. ખેડૂતો અને ‘આપ’ કાર્યકરોએ માર્કેટમાં એકઠા થઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોનો આક્રોશ એ વાતને લઈને હતો કે સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કરી દીધા છે અને ઘણા ખેડૂતોએ ટેકાના ભાવથી વેચાણ કરવા માટે નોંધણી પણ કરાવી દીધી છે, તેમ છતાં હજી સુધી સરકારી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા નથી.ખરીદી કેન્દ્રો શરૂ ન થવાના કારણે બનાસકાંઠાના ખેડૂતોને મજબૂરીમાં પોતાની મગફળી ખુલ્લા બજારમાં સસ્તા ભાવે વેચવી પડી રહી છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખેડૂતોએ ભારપૂર્વક માંગ કરી હતી કે જો સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા હોય, તો નોંધાયેલી મગફળીની ખરીદી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર ટૂંક સમયમાં ખરીદી કેન્દ્રો શરૂ નહીં કરે, તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ડીસા માર્કેટમાં થયેલા આ હોબાળાને કારણે માહોલ ગરમાયો હતો. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર ખરીદી શરૂ નહીં થાય તો તેમને બેવડો માર પડશે – એક તરફ નીચા ભાવ અને બીજી તરફ સંગ્રહની મુશ્કેલી. સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

