ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્ત રાત્રી મેળા દરમ્યાન જરૂરી સુવિધા ઉપલબ્ધ બનાવવા પાલિકાને રજુઆત કરી
પાટણ લીલીવાડીથી ચાણસ્મા હાઇવે પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈને ઉપરોક્ત માર્ગ પર ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે મંગળવારે સાંજે પાટણ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટ અને શ્રી પદ્મનાભ ભગવાન મંદિર સેવા સમિતિ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે આગામી તા.૩ નવેમ્બરથી તા.૯ નવેમ્બર સુધી યોજાનાર ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્ત રાત્રી મેળા દરમ્યાન શ્રી પદ્મનાભ ભગવાન મંદિર તરફ જવાના માગૅનું સમારકામ, સ્ટ્રીટ લાઈટ, સફાઈ કામગીરી સહિતની જરૂરી સુવિધા ઉપલબ્ધ બનાવવા પણ રજુઆત કરાઈ હતી.
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્ત રાત્રી મેળા અને ઓવરબ્રિજની રજુઆતને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે હકારાત્મક અભિગમ સાથે યોગ્ય કરી આપવા હૈયાધારણા આપી હતી. જોકે ઓવરબ્રિજ મામલે આગામી દિવસોમાં મુખ્યમંત્રીને પણ રજુઆત કરવામાં આવનાર છે.
શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટ અને શ્રી પદ્મનાભ ભગવાન મંદિર સેવા સમિતિ દ્વારા પાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસરને રજુઆત સમયે શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ, શાંતિભાઈ સ્વામી, કમલેશભાઈ સ્વામી, નીરૂભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ, કનુભાઈ, ઈશ્વરભાઈ, પ્રવિણભાઈ સહિત સમાજના મહિલા કોર્પોરેટર પ્રવિણાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

