પાલનપુર શહેરના બનાસ ડેરી વિસ્તારમાં આવેલા ગુરુ ભૂમિ પાર્ટી પ્લોટ ખાતે, જગત જનની માં અંબાના પવિત્ર તહેવાર નવરાત્રી ભક્તિમય શરૂઆત પ્રથમ નોરતે માતૃશક્તિના આશીર્વાદથી કરવામાં આવી. “5 બ્રધર્સ ઇવેન્ટ”ની વિશેષ આગવી ઇવેન્ટ હેઠળ યોજાયેલા કેસરીયા નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ એક સંદેશ સાથે કરવામાં આવ્યો.
આ ભક્તિ-સંસ્કૃતિથી ભરપૂર ઉજવણીને અનોખો સ્પર્શ આપતા, આયોજક સંસ્થાના પાંચેય આયોજકોની માતાઓએ રિબિન કાપીને નવરાત્રી પર્વને ખુલ્લો મુકવામા આવ્યો હતો. માતૃશક્તિના હાથે પર્વ ખુલ્લો મુકવા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ છે –કે શક્તિનું સ્ત્રોત સ્ત્રી છે, અને નવરાત્રી તે શક્તિની આરાધનાનું પર્વ છે.
માતાઓની આ સહભાગિતાએ માત્ર એક પ્રારંભ નહીં, પણ સંસ્કૃતિ અને સન્માનનો સંદેશ આપ્યો છે. “જગત જનનીના આ પર્વને જનેતાઓએ ખુલ્લો મુકયો” – એ એક સંકેત છે કે આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતું નહીં, પણ માતૃત્વ અને સંસ્કારનું પ્રતિબિંબ પણ છે. કેસરીયા નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર એવા વિજય જોરણંગના સુરે ખેલૈયાઓ ઉમંગભેર ગરબે ઘૂમી રાસ ગરબાની રમઝટ રેલાવી હતી.

