18.32%ના ઐતિહાસિક ભાવફેરની જાહેરાતથી પશુપાલકોમાં ખુશીની લહેર; સરહદી બનાસકાંઠા જિલ્લામાં રણમાં મીઠી વીરડી સમાન એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે 57 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં રૂ.2131 કરોડ ભાવ વધારા ની જાહેરાત થતા જ જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.
બનાસ ડેરીની 57 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ અમેરિકાનું દૂધ ભારતમાં ન આવે તે માટેની પોલીસી બનાવવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ રૂ. 2131 કરોડના ભાવફેરની જાહેરાત કરતા જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશી પ્રસરી ગઈ હતી. જોકે, ભાવ વધારાને ચેરમેન શંકરભાઇ ચૌધરીએ લાખો પશુ પાલકોની મહેનતનું ફળ ગણાવ્યો હતો.
આ પ્રસંગે બનાસડેરી દ્વારા શ્વેત ક્રાંતિ સર્જનારી જિલ્લા ની ટોપ ટેન મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે રૂ.2 કરોડ 4 લાખનું દૂધ ભરાવી પ્રથમ ક્રમે આવેલી વડગામ તાલુકાના નગાણા ગામની મહિલા પશુપાલક નવલબેન ચૌધરી સહિતની પશુપાલક બહેનોએ ભાવ વધારાને વધાવતા ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ બનાસ ડેરી દ્વારા આગામી સમયમાં શરૂ થનારા વિવિધ પ્રકલ્પોથી પશુપાલકોને અવગત કર્યા હતા. આ વાર્ષિક સાધારણ સભામાં ડેરીનું નિયામક મંડળ સહિત હજારો પશુ પાલકો હાજર રહ્યા હતા.
વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા શંકર ચૌધરી; આ સભામાં ચેરમેન શંકર ચૌધરી એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “અમેરિકા ભારત પર પોતાનું દૂધ વેચવા માટે દબાણ કરી રહ્યું છે. જો આ દૂધ ભારત માં આવે તો આપણો સ્થાનિક ડેરી ઉદ્યોગ સંપૂર્ણપણે પડી ભાંગે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગત જમાદાર સામે ઝૂક્યા વગર ભારતના ખેડૂતો અને પશુપાલકો ના હિતમાં દ્રઢ નિર્ણય લીધો કે અમેરિકાનું દૂધ ભારતમાં નહીં આવે. ત્યારે પશુપાલકોના હિતમાં નિર્ણય લેવા બદલ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
પશુઓની નસલ સુધારવા પર મુકાયો ભાર; ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, સરકાર તરફથી બનાસડેરીને વિવિધ યોજનાઓ હેઠળ 69 કરોડ રૂપિયાની સહાય મળી છે. તેમણે દૂધ ઉત્પાદન વધારવા માટે ફક્ત પશુઓની સંખ્યા વધારવાને બદલે તેમની નસલ (બ્રીડ) સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, બનાસડેરી 90% વાછરડીઓ જ પેદા થાય તેવા અદભુત કામ કરી રહી છે.
દૂધ ચોરી અટકાવવા ઇ-ટ્રેકિંગ સિસ્ટમ; વહીવટમાં પારદર્શિતા લાવવા માટે થયેલા પ્રયાસો વિશે વાત કરતા શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, “આપણે 100% મંડળી ઓને ઓનલાઈન કરી દીધી છે. જેનાથી પશુપાલકો તેમના દૂધ અને નાણાકીય વ્યવહારોની માહિતી પોતાના મોબાઈલ પર જોઈ શકે છે. તેમણે દૂધની ચોરી અટકાવવા માટે આગામી મહિના સુધી તમામ દૂધ ટેન્કરોને જીપીએસ ડિજિટલ ઈ-ટ્રેકિંગ સિસ્ટમ સાથે જોડવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે 1.70 લાખ મહિલા પશુપાલકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.
જાપાનની ‘TQM’ સિસ્ટમ અપનાવી; બનાસડેરીની ટેકનોલોજી અને નવા સંશોધનો વિશે માહિતી આપતા શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, “બનાસડેરીએ જાપાનની ‘TQM’ સિસ્ટમ અપનાવી છે. જેણે ડેરીને 124 કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો છે.” તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં પહેલી વાર બનાસડેરી એ બટાકાના બિયારણ (પોટેટો સિડ) બનાવવાનું કામ શરૂ કર્યું છે અને આગામી બે વર્ષમાં ખેડૂતોને તેનું વિતરણ શરૂ કરવામાં આવશે. તેમણે પ્રોબાયોટિક બેક્ટેરિયામાં થી છાશ બનાવીને લોકોના સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસો વિશે પણ વાત કરી હતી.


