મહેસાણાના જોટાણા ગામમાં ચાર શખ્સોએ એક દુકાનદારને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. જેમાં દુકાનમાં ઘૂસીને વેપારીને છાતી પર લાત મારી હતી અને દંડાથી તૂટી પડ્યા હતા. જ્યારે દુકાનદાર ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને પકડીને આડેધડ લાકડીઓ વરસાવવામાં આવી હતી. ફ્રીજ રિપેરિંગ કરવા ન જવાના મામલે આરોપીએ જૂની અદાવતમાં હુમલો કર્યો હતો. ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ છે.
મળતી માહિતી મુજબ, આ ઘટનાનું મૂળ કારણ અઢી મહિના જૂનું મનદુઃખ છે. ફરિયાદી કિશનસિંહ વિક્રમસિંહ વાઘેલા, જે જોટાણાના ધરતી કોમ્પ્લેક્સમાં ‘જય મોબાઈલ ઇલેક્ટ્રિક’ નામની દુકાન ચલાવે છે, તેમણે આરોપી પૃથ્વીસિંહ કેશુજી ચૌહાણનું બગડી ગયેલું ફ્રીજ રીપેર કરવા જવાનો ઇનકાર કર્યો હતો. આ વાતનો ખાર રાખીને આરોપીઓએ ગઈકાલે (15 ઓગસ્ટે) હુમલો કર્યો હતો.
હુમલા બાદ કોઈ અજાણ્યા વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા કિશનસિંહને પ્રથમ જોટાણા સિવિલ હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા. પ્રાથમિક સારવાર બાદ તેમને મહેસાણાની સિટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં એક્સ-રે રિપોર્ટમાં તેમના જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું. પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

