નાગ પંચમીએ શ્રી નાગણેજી માતાના મંદિરે ઉમટયું ભક્તિનું ઘોડાપુર; પાલનપુર નવાબે બંધાવેલું સર્વધર્મ સમભાવના પ્રતીક સમું ચમત્કારિક શ્રી નાગણેજી માતાનું મંદિર નાગ પંચમી નિમિત્તે શ્રદ્ધાળુ ઓ માટે ખુલ્લું મુકાયું હતું. વર્ષમાં માત્ર બે વાર જ ખુલતા શ્રી નાગણેજી માતાના મંદિરે આજે ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી.
નાગપાંચમના તહેવાર નિમિત્તે પાલનપુરની રાજગઢી ખાતે આવેલા કોમી એકતાના પ્રતીક સમા શ્રી નાગણેજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેનો ભાવિક ભક્તોએ લાભ લઇ શ્રી નાગણેજી માતાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. પાલનપુર નવાબની રાજપૂત રાણીના દાયજામાં શ્રી નાગણેજી માતા આવ્યા હતા. જોકે, પાલનપુર નવાબે આજથી 300 વર્ષ પૂર્વે બંધાવેલું શ્રી નાગણેજી માતાનું મંદિર, નાગપાંચમ અને નવરાત્રી આઠમ સહીત વર્ષમાં માત્ર બે વખત જ ખુલતું હોવાનું મંદિરના પૂજારી શરદભાઈ આચાર્યએ જણાવ્યું હતું.
આ ચમત્કારી મંદિરમાં બિરાજેલા નાગણેજી માતા ઉપર લોકો ની ભારે શ્રદ્ધા છે. અહીં માતાજીના દર્શન કરવા માટે દૂર -દૂર થી ભક્તો આવે છે. અને નાગણેજી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોવાનું કિરીટભાઈ સોની નામના ભાવિક ભક્તે જણાવ્યું હતું. આજે પણ નવરાત્રી આઠમે શ્રી નાગણેજી માતાના મંદિરે થતા હવનમાં પાલનપુર નવાબના પરિવારજનો ફાળો આપી રહ્યા છે. ત્યારે પાલનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલું નવાબીકાળનું શ્રી નાગણેજી માતાનું મંદિર કોમી એકતાનું મિશાલ પુરી પડી રહ્યું છે.

