મોડાસામાં શામળાજી બાયપાસ પર આવેલા માઝૂમ નદીના પુલ પરથી એક કાર નદીમાં ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા શિક્ષકનું સારવાર દરમિયાન મોત થતાં કારમાં સવાર તમામ ચારેય વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની મળતી વિગત મુજબ, આજે (9 ઓગસ્ટ) રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલી કાર અચાનક નિયંત્રણ ગુમાવી માઝૂમ નદીમાં ખાબકી હતી. કારમાં કુલ ચાર યુવકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે તહેવારના સમયે વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.

