રહીશોને પુછ્યા વગર જુના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો પાટણ શહેરના ઝીણી પોળ વિસ્તારમાં આવેલા લાલા પટેલના મહોલ્લામાં ગુજરાત એનર્જી બોર્ડ દ્વારા સોમવારે હાથ ધરવામાં આવેલ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો. સ્માર્ટ મીટર લગાવવાના મામલે વિસ્તારના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે તેમની પરવાનગી લીધા વગર જૂના મીટર કાઢીને જીઈબી ના કમૅચારીઓ દ્રારા નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હતા જેને પગલે વિસ્તારના લોકો એ નારાજગી વ્યકત કરી સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કર્યો હોવાનું જણાવ્યું હતું.
વિસ્તારના લોકોને વિશ્વાસ મા લીધા વીના હાથ ધરવામાં આવેલ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ને લઈ લોકો એ GEB કચેરી વિરુદ્ધ “હાય રે GEB હાય હાય” અને “સ્માર્ટ મીટર હટાવો”ના સૂત્રોચ્ચાર કર્યા હતા. રહીશોએ માંગણી કરી હતી કે તેમના જૂના મીટર પુછયા વગર કાઠી નાખ્યા છે તે જુના મીટર તાત્કાલિક પાછા લગાવવામાં આવે અને રહીશોની સંમતિ વગર તેમના મીટરમાં કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે.
રહીશોના ઉગ્ર વિરોધને પગલે આખરે GEBના અધિકારીઓએ તેમની માંગણી સ્વીકારી હતી. મહોલ્લાના તમામ ઘરોમાં ફરીથી જૂના વીજળી મીટર લગાવવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાએ GEBની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ કામગીરી હાથ ધરતા પહેલાં સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવા જરૂરી છે. આ વિરોધને કારણે હાલ પૂરતા આ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે. સ્માર્ટ મીટર લગાવવાનો મામલો ગરમાતા કોઈ અનિચ્છનીય ધટના ન ધટે તે માટે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.


