બે સિઝનમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને રૂ.60 કરોડનું નુકસાન
બનાસકાંઠા સહિત ડીસા પંથકમાં ચાલુ વર્ષે અવિરત અને વહેલા વરસાદને કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ઉનાળુ મગફળી વહેલા વરસાદે બગાડી નાખી, જ્યારે ચોમાસુ મગફળી સતત વરસાદના કારણે નિષ્ફળ ગઈ. આના પરિણામે ખેડૂતોને અંદાજિત રૂ. 60 કરોડથી વધુનું નુકસાન થયું છે. ડીસા માર્કેટયાર્ડમાં પણ ગત વર્ષની સરખામણીમાં મગફળીની આવકમાં ત્રણ લાખ બોરીથી વધુનો ઘટાડો નોંધાયો છે, જે ખેડૂતોની કપરી પરિસ્થિતિનો સ્પષ્ટ સંકેત આપે છે.
ડીસા માર્કેટયાર્ડના આંકડા મુજબ, ગત વર્ષે ઉનાળુ સિઝનમાં 8 લાખ બોરીથી વધુ મગફળીની આવક નોંધાઈ હતી, જ્યારે ચાલુ વર્ષે માત્ર 4.75 લાખ બોરીની આવક થઈ છે. આનો અર્થ એ થયો કે અંદાજિત 3.50 લાખ બોરી મગફળીની આવક ઘટી છે. આ ઘટાડો સ્પષ્ટપણે દર્શાવે છે કે વરસાદને કારણે ખેડૂતો મગફળીનો પાક લઈ શક્યા નથી અને મોટાભાગનો પાક ખેતરમાં જ બગડી ગયો છે. હાલમાં જે મગફળી માર્કેટયાર્ડમાં આવી રહી છે તે પણ વરસાદથી પલળેલી અને કાળી પડી ગયેલી છે, જેના ભાવ પ્રતિ મણ રૂ.700 થી રૂ.1015 સુધીના છે, જે ખેડૂતોને કોઈ વળતર આપી શકતા નથી.તેથી બે સિઝનમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે ત્યારે સરકાર ખેડૂતોની વેદના સાંભળે તેમ ખેડૂત આલમ ઝંખે છે.
ખેડૂતોની વેદના: પાક અને ઘાસચારાનું બેવડું નુકસાન; ખેડૂતોએ જણાવ્યું હતું કે, વહેલા વરસાદને કારણે ઉનાળુ સિઝનની મગફળી લઈ શક્યા નથી. મગફળીનો પાક તો ગયો જ, પરંતુ ઘાસચારો પણ ન થતાં પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતો છેલ્લા એક મહિનાથી સરકાર પાસે સર્વે કરાવીને સહાય આપવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની વાતને ગંભીરતાથી લેવામાં આવી નથી.ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ કંઈ કરી ન શકતા ખેડૂતો વેદના સાથે વસવસો વ્યક્ત કરી રહ્યા છે.
માર્કેટયાર્ડના આંકડા તપાસવા ખેડૂતોની માંગ; ખેડૂતોએ સરકારને પડકાર ફેંક્યો છે કે, જો તેમને ખેડૂતો પર ભરોસો ન હોય તો, માર્કેટયાર્ડમાંથી આંકડા મેળવી લે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવશે કે આવક શા માટે ઓછી થઈ છે અને મગફળીને કેટલું નુકસાન થયું છે ? ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃત જોષીએ પણ પુષ્ટિ કરી હતી કે ગત વર્ષની સરખામણીમાં આવક ખૂબ જ ઘટી છે, જેનું મુખ્ય કારણ ચાલુ વર્ષે વહેલા વરસાદને કારણે મગફળીને થયેલું નુકસાન છે. ખેડૂતો ફરી એકવાર સરકાર પાસે સર્વે કરીને તાત્કાલિક સહાય આપવાની માંગ કરી રહ્યા છે.


