દાંતીવાડા ખાતે સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત મંડળીઓ તથા FPOનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો

દાંતીવાડા ખાતે સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત મંડળીઓ તથા FPOનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો

ઇન્ટરનેશનલ યર ઓફ કો-ઓપરેટીવ સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી ખાતે સેવા સહકાર મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા FPOનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સ્થાનિક રોજગારી અને ગામડાના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવવા માટે સહકાર વિભાગ બનાવ્યો છે. તેમણે જણાવ્યું કે, સહકારીતા એ બનાસવાસીઓના સંસ્કારમાં છે. તેમણે ઉપસ્થિત તમામ સહકારી આગેવાનોને સાથે મળીને સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી.

આ કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સહકાર એ માત્ર એક વ્યવસ્થાપન પદ્ધતિ નથી, પરંતુ ગ્રામ્ય આર્થિક પ્રગતિનો મૂળ આધાર સ્તંભ છે. તેમણે જણાવ્યું કે, સહકારી માળખા થકી દેશના લાખો ખેડૂતોને ન માત્ર આર્થિક મજબૂતી મળી છે, પરંતુ તેમની જીવનશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. સહકાર ક્ષેત્રે ગુજરાતે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. સહકારી બાબતોનો અભ્યાસ કરવો હોય તો બનાસકાંઠા જિલ્લામાં આવીને કરવો જોઈએ. બનાસની સહકારીતાની સુવાસ આજે દેશભરમાં ફેલાઈ છે. આજના યુગમાં ટેકનોલોજી, નવીનતા અને વ્યવસાયિક દૃષ્ટિકોણ સાથે સહકાર ક્ષેત્રનું પુનરાવલોકન કરવાની જરૂર છે. FPOs તથા દૂધ ઉત્પાદક મંડળીઓ જેવી સહકારી સંસ્થાઓ કૃષિ મૂલ્ય સાંકળમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રાજ્ય સરકાર સહકાર ક્ષેત્રમાં નવી પહેલ અને નીતિઓ દ્વારા વધુ સમૃદ્ધિ લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ તકે સહકારી મંડળીઓને સાબિતીથી કાર્ય કરવા અને સહયોગી દ્રષ્ટિકોણ અપનાવવાની અપીલ પણ કરી.

કાર્યક્રમ દરમિયાન સેવા સહકાર મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, તથા ખેતી ઉત્પાદન સંગઠનો (FPOs) સાથે સહકાર ક્ષેત્રના વિવિધ પડકારો, તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા અને સંવાદ યોજાયો હતો. કાર્યક્રમમાં કૃષિ-આધારિત ઉદ્યોગો માટે સહકારી માળખું, ટેકનોલોજીની ભૂમિકા, ખેતીમાં મૂલ્યવધારણ અને વેપારિક દૃષ્ટિકોણથી સહકારના નવા આયામો અંગે ચર્ચા કરાઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *