બનાસકાંઠામાં થોડા દિવસ પહેલા સરપંચોની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણી પહેલા અનેક નવીન ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું. ત્યારે વડગામ તાલુકામાં પણ અમુક ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું. જેમાં વડગામ તાલુકાની 222 લોકોની વસ્તી અને 169 મતદારો ધરાવતી હમીરપુરા ગ્રામ પંચાયતનું વિભાજન થતાં અમીરપુરા ગ્રામ પંચાયત સમરસ બની હતી. ત્યારે ગામમાં નવીન ગ્રામ પંચાયતના મકાન બનાવવામાં આવ્યું હતું. જેનું આજે લોકાર્પણ યોજાયું હતું.
ગુજરાત સરકાર દ્વારા ગામડાઓ માં સુવિધા વધે અને લોકોના કામ થાય તે માટે અનેક ગામડાઓમાં ગ્રામ પંચાયતોનું વિભાજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડગામ તાલુકાના અમીરપુરા ગ્રામ પંચાયત જે નવી સેંધણી ગૃપ ગ્રામપંચાયત માંથી વિભાજન થવાથી અમીરપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ હતી. જેના સરપંચપદે દોલીબેન પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ પદે પરથીભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી.
દરમિયાન, નવીન અમીરપુરા ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત મકાન બનાવવામાં આવ્યું હતું. જેનું આજે લોકાર્પણ કરાયું હતું. અમીરપુર ગામમાં 222 જેટલા લોકોની વસ્તી છે અને 169 મતદારો છે. એટલે આ પંચાયત સૌથી નાની પંચાયત માનવામાં આવે છે. ત્યારે આ ગ્રામ પંચાયતના લોકાર્પણને લઈને ગ્રામજનોએ કહ્યું હતું કે, ગુજરાતમાં સૌથી નાની પંચાયત અમીરપુરા ગ્રામ પંચાયત બની છે. સરકારે અમને અલગ પંચાયત આપી છે જે બદલ સરકારનો અમે આભાર માનીએ છીએ. અમારા ગામમાં પ્રથમ ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયત બની છે. પંચાયતની આખી બોડી સમરસ થઈ છે અને મહિલાના હાથમાં સરપંચનું સુકાન સોંપવામાં આવ્યું છે.

