નિફટી ફ્યુચર ૨૫૪૦૪ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

નિફટી ફ્યુચર ૨૫૪૦૪ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!


રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૭.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૭૦ સામે ૮૨૫૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૩૪૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૬૩૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૬૫ સામે ૨૫૨૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૬૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૨૪૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

દેશભરમાં ચોમાસું સામાન્યથી સારૂ નીવડી રહ્યું હોઈ અને રિટેલ ફુગાવાનો આંક પણ ઘટીને આવતાં પોઝિટીવ પરિબળે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીય યુનિયન, કેનેડા સહિતના દેશોને આકરાં ટેરિફની ચીમકી આપતાં અને બીજી તરફ રશીયા સાથે ફરી ટ્રમ્પના ટકરાવના અહેવાલ અને તાઈવાન મામલે ચાઈના અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધવાના એંધાણે જીઓપોલિટીકલ ટેન્શન વધવાની શકયતાએ વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારત માટે અમેરિકાના ઓછા ટેરિફની અટકળોએ ભારતીય શેરબજારમાં આજે ઘટાડાને બ્રેક લાગી હતી.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં વેચવાલી અટક્યા સાથે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી વધતાં આજે બજાર ઈન્ડેક્સ બેઝડ પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. ટ્રમ્પ ભારત માટે ટેરિફમાં સોફ્ટ બની ૨૦% જેટલી ટેરિફ લાગુ કરે એવા અહેવાલો તેમજ ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર ક્ષેત્રે ભારતની નિકાસો પર અમેરિકામાં અપેક્ષાથી ઓછી ટેરિફ લાગુ થવાની અટકળો અને ઈલોન મસ્કના ટેસ્લા કારના ભારતમાં શુભાગમન સાથે પ્રથમ શોરૂમ મુંબઈમાં શરૂ કરવામાં આવતાં અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડિલની વાટાઘાટમાં પોઝિટીવ અસરની અપેક્ષાએ પણ શેરોમાં તેજી જોવાઈ હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, બુધવારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને અપેક્ષા કરતાં ઓછી વેપાર ખાધ વચ્ચે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, કોમોડિટીઝ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૮ અને વધનારની સંખ્યા ૨૩૩૮ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૧૦%, ટેક મહિન્દ્રા ૧.૯૪%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૮૧%, ઇન્ફોસિસ લિ. ૧.૫૦%, અદાણી પોર્ટ ૦.૭૮%, એશિયન પેઈન્ટ ૦.૭૩%, આઈટીસી લિ. ૦.૫૪%, એકસિસ બેન્ક ૦.૨૧% અને મારુતિ સુઝુકી ૦.૨૦% વધ્યા હતા, જયારે ઇતર્નલ ૧.૫૮%, સન ફાર્મા ૧.૫૫%, ટાટા સ્ટીલ ૧.૧૦%, ટાટા મોટર્સ ૦.૮૭%, બજાજ ફાઈનાન્સ ૦.૭૧%, ભારત ઈલેક્ટ્રોનિક્સ ૦.૬૭%, ટીસીએસ લિ. ૦.૬૩% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૫૦% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, દેશમાં મોંઘવારી છેલ્લા બે મહિનાથી સતત ઘટી રહી છે. જૂનમાં જથ્થાબંધ મોંઘવારી ઘટી -૦.૧૩ સાથે ૨૦ માસના તળિયે પહોંચી છે. જ્યારે રિટેલ ફુગાવો ૬ વર્ષના તળિયે નોંધાયો છે. ખાદ્ય પર્દાથોની કિંમતોના ભાવ ઘટતા જૂનમાં રિટેલ ફુગાવો ઘટીને ૨.૧% રહ્યો, જે છેલ્લા છ વર્ષની નીચલી સપાટી છે. ફુગાવાનો આ દર આરબીઆઇના કમ્ફર્ટ ઝોનમાં છે. કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો મે, ૨૦૨૫માં ૨.૮૨% અને જૂન, ૨૦૨૪માં ૫.૦૮% હતો. નવેમ્બર ૨૦૨૪ પછી ફુગાવામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે જૂન, ૨૦૨૪ની સરખામણીમાં જૂન, ૨૦૨૫માં રીટેલ ફુગાવો ૨.૧% રહ્યો છે. જથ્થાબંધ ફુગાવો જૂનમાં -૦.૧૩% નોંધાયો છે. જે અગાઉ ઓક્ટોબર, ૨૦૨૩માં તે -૦.૫૬% હતી. મે, ૨૦૨૫માં ૦.૩૯% અને એપ્રિલ, ૨૦૨૫માં ૦.૮૫% હતી. રોજિંદા જીવન જરૂરિયાત અને ખાણી-પીણીની ચીજોના ભાવ ઘટતાં મોંઘવારીમાં ઘટાડો થયો છે. ત્યારે આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્ર અને શેરબજાર પર તેની પોઝીટીવ અસર જોવા મળી શકે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *