મહોલ્લાના સાંકડા રસ્તાઓમાં ફાયર ફાઈટર આવી ન શકતા રહીશોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી
આગની ઘટનામાં મકાન નો સરસામાન સહિત ફ્રીજ,ટીવી ને પણ નુકસાન થયું…!
પાટણના ફોફળીયા વાડો, વખતજીની શેરીમાં રહેતા પ્રજાપતિ રમીલાબેન રમેશભાઈ પોતાના ઘરમાં રસોઈ બનાવતા હતા તે વખતે અચાનક ગેસના બાટલામાં આગ લાગતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરા-તફરી મચી જવા પામી હતી…!
આ આગની ઘટનામાં રસોડાનો સંપૂર્ણ સામાન નષ્ટ થયો હતો તો ફ્રિજ અને ટીવી સહિત લાકડાનું ફર્નિચર પણ બળીને ખાખ થઈ ગયું હતું. જોકે સમય સૂચકતા થી રસોઈ બનાવતા રમીલાબેન ઘરની બહાર દોડી ગયા હતા અને બહાર આવી બુમાબુમ કરતાં આડોસ-પાડોસના રહીશોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગને મહામુસીબતે કાબૂમાં લેતા સૌએ રાહત અનુભવી હતી. પ્રાથમિક તપાસમાં આ આગમાં લગભગ ઘર માલિક ને અંદાજીત રૂ.70 થી 80 હજારનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ આગની ઘટનાની જાણ વિસ્તારના કોર્પોરેટર ભરત ભાટિયા ને થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાલિકા ની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. જોકે શેરી – મહોલ્લાના સાંકડા રસ્તા હોવાથી ફાયર ફાયટર ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું પરંતુ સ્થાનિક લોકોની સૂઝ બૂઝ અને ત્વરિત કાર્યવાહીથી આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી.

