કેનેડામાં તાલીમ વિમાનો વચ્ચે થયેલી ટક્કરમાં 2 તાલીમાર્થી પાઇલટના મોત થયા છે. મૃતકોમાં ભારતીય મૂળનો એક વિદ્યાર્થી પાઇલટ પણ સામેલ છે. ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે બુધવારે આ અંગે માહિતી આપી હતી. મંગળવારે સવારે કેનેડાના દક્ષિણ મેનિટોબામાં સ્ટેઇનબેક સાઉથ એરપોર્ટ નજીક આ અકસ્માત થયો હતો. હાર્વેઝ એર પાઇલટ સ્કૂલ દ્વારા તાલીમ માટે ઉપયોગમાં લેવાતા રનવેથી લગભગ 400 મીટર દૂર વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો.
ઊંડા દુઃખ સાથે, અમે યુવા ભારતીય વિદ્યાર્થી પાઇલટ શ્રીહરિ સુકેશના દુ:ખદ મૃત્યુ પર શોક વ્યક્ત કરીએ છીએ, જેમણે મેનિટોબાના સ્ટેઇનબેક નજીક હવામાં થયેલી અથડામણમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. અમે તેમના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. કોન્સ્યુલેટ જનરલ શોકગ્રસ્ત પરિવાર, પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ અને સ્થાનિક પોલીસ સાથે સંપર્કમાં છે જેથી તમામ જરૂરી સહાય પૂરી પાડી શકાય,” કોન્સ્યુલેટ જનરલે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
સ્થાનિક મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, શ્રીહરિએ પહેલાથી જ પોતાનું ખાનગી પાઇલટ લાઇસન્સ મેળવી લીધું હતું અને તે કોમર્શિયલ પાઇલટ સર્ટિફિકેટ મેળવી રહ્યો હતો. હાર્વેની એર પાઇલટ ટ્રેનિંગ સ્કૂલના પ્રમુખ એડમ પેનરના જણાવ્યા અનુસાર, આ ઘટના સમયે બંને વિદ્યાર્થી પાઇલટ નાના સેસ્ના સિંગલ-એન્જિન વિમાનોમાં ટેકઓફ અને લેન્ડિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. “એવું લાગે છે કે બંને પાઇલટ્સે એક જ સમયે લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો અને ટૂંકા રનવેથી થોડી દૂર અથડાયા, તેવું પેનરે જણાવ્યું હતું.

