અગાઉની સરખામણીએ આજની શાળાઓ ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યાધુનિક થઈ રહી છે : ધારાસભ્યશ્રી
(જી.એન.એસ) તા. 28
મહેસાણા,
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી અને માહિતી નિયામકશ્રી કે. એલ.બચાણીની ઉપસ્થિતિમાં મહાદેવપુરા પ્રાથમિક શાળા, મલેકપુર પ્રાથમિક શાળા અને બળાદ ખાતે ચૌધરી પી.જી. આર હાઇસ્કુલમાં બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભૂતકાળમાં શાળાઓમાં સારી સુવિધાઓ ન હતી પરંતુ વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી શાળાઓમાં માળખાકીય સુવિધાઓમાં આમૂલ પરિવર્તન આવ્યું છે આજની શાળાઓ ટેકનોલોજીની રીતે અત્યાધુનિક થઈ રહી છે.
માહિતી નિયામકશ્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ જેવા મહાયજ્ઞના પ્રોત્સાહક પરિણામો આજે બાળકોના માતા-પિતા સહીત સમગ્ર સમાજને મળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે શિક્ષણ એ વિદ્યાર્થીઓના જીવનમાં ચમત્કાર સર્જી શકે છે. રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં છે. આવી યોજનાઓનો મહત્તમ લાભ લઈને પોતાના સંતાનોનું શિક્ષણ સુનિશ્ચિત કરવું એ સૌ મા-બાપની જવાબદારી છે.
માહિતી નિયામકશ્રીએ કહ્યું કે, પોતાના ગામની શાળાને આદર્શ શાળા બનાવવા માટે શિક્ષકોએ અને SMC કમિટીએ શાળા શિક્ષણકાર્યને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાની દિશામાં વધુને વધુ પ્રયાસો થાય તેવા આયોજનોને પ્રોત્સાહન આપવું જોઈએ.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓને વિવિધ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, પ્રાર્થના, તેમજ સમાજ ઉપયોગી વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરી કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્થાનિક અગ્રણીઓ, દાતાશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





