ડીસા તાલુકાના આસેડા ગામના વાલ્મિકી વાસમાં જાહેર રસ્તા પર જ વીજળીના થાંભલા ઊભા કરી દેવાતા સ્થાનિકો અને ગ્રામ પંચાયતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દોઢ વર્ષથી પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઈટો માટે એસ્ટીમેન્ટ ભરવામાં આવ્યું હતું અને વારંવાર સરપંચ, સભ્યો તથા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આશ્ચર્યજનક રીતે, ગ્રામ પંચાયતને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જ, જાહેર રસ્તાની બરાબર વચ્ચે આ વીજ થાંભલા નાખી દેવામાં આવ્યા છે. આના કારણે ગ્રામજનોને ભારે અગવડ પડી રહી છે અને ટ્રાફિકની અવરજવરમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર, આ કામ ભરતભાઈ ઠાકોર સહિતના હેલ્પરોની બેદરકારીને કારણે થયું છે અને હજુ પણ ગામ લોકોની રજૂઆતોને હેલ્પરો સાંભળતા નથી. પંચાયતની મંજૂરી વિના અને જાહેર જનતાના હિતને અવગણીને કરવામાં આવેલી આ કાર્યવાહી સામે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

