વિશ્વ પર્યાવરણ દિવસ પર અનોખી ભેટ; પ્લાસ્ટિકથી મુક્ત બાલારામ નદી અને અભ્યારણ્ય

વિશ્વ પર્યાવરણ દિવસ પર અનોખી ભેટ; પ્લાસ્ટિકથી મુક્ત બાલારામ નદી અને અભ્યારણ્ય

બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખજાના સમાન બાલારામ અભ્યારણ્ય અને બાલારામ નદી આવેલી છે જ્યાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. પ્રકૃતિ, વન્યજીવન અને આધ્યાત્મિક શાંતિનો સંગમ ધરાવતા આ સ્થળને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું બીડું જિલ્લા વન વિભાગે ઉપાડ્યું અને સફળતા મેળવી છે.

“દૃઢ સંકલ્પ હોય તો પરિસ્થિતિઓની દિશા બદલી શકાય છે” સૂત્રને બનાસકાંઠા વન વિભાગે સાબિત કર્યું છે. જિલ્લા નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીનના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બાલારામ નદી અને અભ્યારણ્યને સ્વચ્છ તથા પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવ્યું છે. પાલનપુર નોર્મલ રેન્જ વન વિભાગના અધિકારીઓ, સ્ટાફ તથા સ્થાનિક સ્વયં સેવકોના સહયોગથી પ્લાસ્ટિક કચરાનો નાશ અને પર્યાવરણની રક્ષા સાથે પાંચ દિવસીય શ્રમદાન કરીને પ્રકૃતિને સ્વચ્છ બનાવવા તરફ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.

જિલ્લા વન વિભાગે દૃઢ નિશ્ચય કરીને આ નદી અને અભ્યારણ્ય ખાતે કુલ ૧૦૩ લોકોની સહભાગીતા સાથે પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો અને કુલ ૭ ટ્રેકટર ભરીને કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. વન વિભાગના કર્મીઓ ઉપરાંત, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને સમાજસેવી સંસ્થાઓના ઉમદા સહયોગ થકી નદી અને અભ્યારણ્યને પ્લાસ્ટિક ફ્રી બનાવવામાં આવ્યું છે. આ અભિયાનથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં સ્વૈચ્છિક રીતે કચરો એકત્રિત કરવાનો અભિગમ પણ જોવા મળ્યો હતો.

આ અભિયાન માત્ર પ્લાસ્ટિક કચરાને દૂર કરવાનું નહીં પરંતુ એ માનસિકતા બદલવાનો પ્રયત્ન હતો કે, “પ્રકૃતિ અમારી છે અને તેનું સંરક્ષણ કરવું આપણી સૌની જવાબદારી છે.” બાલારામ નદી કાંઠે આવેલ સુંદર વન્ય વિસ્તાર પ્લાસ્ટિકના પ્રદૂષણથી ઘેરાઈ રહ્યો હતો ત્યારે વન વિભાગે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમાજમાં સ્વચ્છતા માટેનો સંદેશો પાઠવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક બાળવું અને ફેંકવું બંને પર્યાવરણ માટે હાનિકારક છે.

જિલ્લા DCF ચિરાગ અમીનએ જણાવ્યું કે, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમાજમાં સ્વચ્છતા માટેનો અભિગમ વધુ કેળવાઈ રહે અને લોકો જાગૃત બને તે જરૂરી છે. આ અભિયાન દરેક સહભાગી માટે જીવનભર યાદગાર બની રહેશે. આ ઝુંબેશથી પ્રવાસીઓમાં પ્લાસ્ટિક ન વાપરવાની જાગૃતિ ફેલાઈ છે અને સ્થાનિક વન્ય પ્રાણીઓના નિવાસસ્થાન વધુ સ્વચ્છ બન્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *