(જી.એન.એસ) તા. 29
નવી દિલ્હી,
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ કેસના આરોપી 23 વર્ષીય ઈન્ફ્લૂએન્સરને વચગાળાના જામીન આપતાં નોંધ્યું કે નવ મહિનાથી જેલમાં હોવા છતાં તેની સામે દિલ્હી પોલીસ દ્વારા આરોપો નક્કી કરવામાં નથી આવ્યા અને કહ્યું કે ‘પીડિતા બાળક નથી અને એક હાથે તાળી ન વાગે.’
ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે પૂછ્યું કે, ‘દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર યુવક સામે દુષ્કર્મનો કેસ કેવી રીતે નોંધી શકે છે, જ્યારે મહિલા સ્વેચ્છાએ તેની સાથે ગઈ હતી. એક હાથે તાળી ન વાગે…દિલ્હી પોલીસે કયા આધારે IPC ની કલમ 376 હેઠળ કેસ નોંધ્યો છે? તે બાળક નથી 40 વર્ષની મહિલા છે. બંને એકસાથે જમ્મુ ગયા હતા. તમે કલમ 376 કેમ લગાવી છે? આ મહિલા સાત વખત જમ્મુ જાય છે અને પતિને કોઈ વાંધો નથી?’
તેમજ વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ વચગાળાના જામીન આપવા યોગ્ય છે કારણ કે આરોપી 9 મહિનાથી જેલમાં છે અને તેની સામે આરોપ નક્કી કરવામાં આવ્યો નથી. આથી આરોપીને ગૌણ અદાલતમાં રજૂ કરવામાં આવે અને શરતો અને નિયમોને આધીન રહીને વચગાળાના જામીન આપવામાં આવે. તેમજ યુવક પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરશે નહીં અને મહિલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે નહીં.’
આ કેસમાં ફરિયાદ મુજબ, મહિલાને કથિત રીતે જમ્મુ જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જ્યાં તેનું વારંવાર જાતીય શોષણ કરવામાં આવ્યું, ખંડણી લેવામાં આવી અને અઢી વર્ષના સમયગાળા દરમિયાન ધમકી આપવામાં આવી. આ કેસમાં, ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 354 (મહિલા પર હુમલો), 323 (ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવી), 506 (ગુનાહિત ધાકધમકી), 509 (મહિલાની ગરિમા પર હુમલો કરવો) અને 34 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.


