બાળકોને સ્વસ્થ, તેજસ્વી અને મેદસ્વિતા મુક્ત બનાવવા યોગ તાલીમ અને સંસ્કાર; રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત- મેદસ્વિતા મુક્ત ગુજરાત ઝુંબેશ હેઠળ ૭ થી ૧૫ વર્ષની ઉંમરના બાળકો માટે તા.૧૬/૦૫/૨૦૨૫ થી તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીના ૧૫ દિવસના નિ:શુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરાયું છે.
બનાસકાંઠા જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર નીતાબેન ઠાકોરએ જણાવ્યું કે, જિલ્લામાં અલગ અલગ પાંચ સ્થળોએ સમર કેમ્પનું આયોજન કરાયું છે. કુલ ૧૫ યોગ કોચ અને ટ્રેનર દ્વારા બાળકોને યોગ અને સંસ્કાર વિશે માહિતી આપવામાં આવે છે. પાંચ સ્થળોએ ૫૨૦ જેટલા બાળકો સમર કેમ્પમાં જોડાયા છે. સવારે ૭-૦૦ કલાકથી ૯-૦૦ કલાક દરમિયાન જિલ્લાના ૭ થી ૧૫ વર્ષની ઉમરના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરાયું છે.
બનાસકાંઠામાં પાલનપુર તાલુકામાં આદર્શ સ્કૂલ, ડેરી રોડ ખાતે તથા સિલ્વર વેલ્સ સ્કૂલ, જગાણા ખાતે ડીસામાં ટી.સી.ડી ગ્રાઉન્ડ, કોલેજ રોડ ખાતે, ભાભરમાં આદર્શ પ્રાથમિક શાળા, સ્નેહર સોસાયટી ખાતે થરાદમાં જયવીર સ્કૂલ ઓફ સાયન્સ ખાતે આયોજન કરાયું છે. આ સમર યોગ કેમ્પમાં અનુભવી અને સર્ટિફાઇડ યોગ શિક્ષકો દ્વારા બાળકોને નિયમિત યોગ તાલીમ આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી “યોગ” જેવી ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેનને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડી અને ૨૧મી જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે માન્યતા અપાવી છે. સમગ્ર વિશ્વએ યોગના માધ્યમથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે એક સારા અને સમૃદ્ધ સમાજના નિર્માણને સ્વીકાર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોના તંદુરસ્ત આરોગ્યના શુભ વિચાર સાથે “મેદસ્વિતા મુક્ત ગુજરાત”નો પ્રારંભ કરાવ્યો હતો.


