ડીસા જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્રમાં પીવાના પાણી અને પંખાનો અભાવ અરજદારો માટે કાળ બની રહ્યો છે. જ્યારે ઉચ્ચ અધિકારીઓ એ.સી. ઓફિસમાં બેસીને કામ કરતા હોવાથી અરજદારોની સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા જનસેવા કેન્દ્રમાં બે વોટર કુલર અને કેટલાક પંખા લાંબા સમયથી બંઘ હાલતમાં છે. ૪૦ ડિગ્રી તાપમાન વચ્ચે દાખલા કઢાવવા આવતા વિદ્યાર્થીઓ અને અન્ય અરજદારોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે, અને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે. અધિકારીઓ અને કર્મચારીઓ સિવાયના ટેબલો પર પંખાનો અભાવ હોવાથી અરજદારો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, ડીસાનું વહીવટી તંત્ર જનતાને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. જનસેવા કેન્દ્ર જાણે “રામભરોસે” ચાલતું હોય તેવું દેખાઈ રહ્યું છે, જ્યાં “હોતી હૈ ચલતી હૈ” ની નીતિ અપનાવીને અધિકારીઓ અરજદારોને ધરમધક્કા ખવડાવવામાં વ્યસ્ત હોય છે.
આશ્ચર્યજનક રીતે, જનસેવા કેન્દ્રમાં સરકાર તરફથી પીવાના ઠંડા પાણીની કોઈ વ્યવસ્થા નથી. દાતાઓએ બે વોટર કુલર આપ્યા હતા, પરંતુ મેનેજમેન્ટના અભાવે તે બંઘ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. વોટર કુલર રિપેર કરાવવાને બદલે હવે મિનરલ વોટરની બોટલો શરૂ કરવામાં આવી છે, જેનાથી ખર્ચ વધવાની સંભાવના છે. જો ઉનાળા પહેલા વોટર કુલર રિપેર કરાવી દીધા હોત તો આજે અરજદારોને આટલી મુશ્કેલી ભોગવવી ન પડી હોત.
અરજદારો અને વિદ્યાર્થીઓને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને, જનસેવા કેન્દ્રમાં તાત્કાલિક ધોરણે ઠંડા પાણીની વ્યવસ્થા ઉભી કરવા અને બેઠક વ્યવસ્થા સુધારવા માટે સત્તાવાળાઓ દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસામાં પાણીદાર નેતાઓ હોવા છતાં, જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને અરજદારોને પીવાના પાણી માટે દાતાઓ પર નિર્ભર રહેવું પડે છે, જે શાસન વ્યવસ્થાની ગંભીર બેદરકારી દર્શાવે છે.


