વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફણા ગામ ખાતેથી સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષ અને મહાનુભાવોના હસ્તે નાગફણા સ્થિત તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુર્હુત કરાયું હતું.
નાગફણા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વમાં છેવાડાના નાગરિકોના જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરી છે જેનો ફાયદો આજે લોકોને મળી રહ્યો છે. સુજલામ સુફલામ જળ અભિયાન, કેચ ધ રેઈન અંતર્ગત બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે આપણે સૌ કોઈએ પાણીનો બચાવ તથા ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે સહિયારા કાર્યો કરવા પડશે.
અધ્યક્ષએ જણાવ્યું કે, તળાવ ઊંડા કરવા, બોર અને કુવા રિચાર્જ, વેણ વધારે હોય ત્યાં નવા બોર કરવા, ખેત તલાવડી, સોસ કુવા સહિતના કાર્યો થકી જ પાણીના તળ ઊંચા લાવીને ખેડૂતો તથા આવનાર પેઢી માટે પાણી અને પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરી શકાશે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. નર્મદાના નિર વડે તળાવો ભરવાની કામગીરી કરવામાં આવશે. રાજ્ય સરકારે જુના કુવા અને બોરને રિચાર્જ કરવા માટે ૯૦ ટકા જેટલી સબસીડી આપવા માટે પ્રતિબંધતા દર્શાવી છે. ખેતરનું પાણી ખેતરમાં તથા ગામનું પાણી ગામમાં રહે તે માટે જિલ્લામાં સોસ કુવા બનાવવાનું અભિયાન સફળ બન્યું છે.
અધ્યક્ષએ જણાવ્યું કે, બનાસ ડેરી ખેડૂતોને સોસ કુવા બનાવવા માટે ૫૦ ટકા રકમ ફાળવશે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ દૂધ સહિત વિવિધ વ્યવસાયો ચાલુ કરીને પશુપાલકોના આર્થિક જીવન ધોરણ ઊંચું લાવવા માટે પ્રયત્નો કર્યા છે. તેમણે દેશી ગૌવંશ અને ભેંસોને જિલ્લા બહાર ન વેચવા તથા ઓલાદ સુધારણા માટે કામ કરવા આહવાન કર્યું હતું.
ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, આવનાર પેઢી માટે પાણીનો બચાવ કરવો ખૂબ જ જરૂરી છે. રાજ્ય સરકાર અને બનાસડેરીના સહયોગથી જિલ્લામાં સુજલામ સુફલામ્ અંતર્ગત તળાવ ઊંડા કરવા તથા સોસ કુવા બનાવવાની પ્રસંશનીય કામગીરી થઈ રહી છે. તેમણે ખેડૂતોને વધુમાં વધુ જળ સંચય માટે કામ કરવા આહવાન કર્યું હતું.


