સ્ટાફની ઘટને લઇ કામગીરીમાં વિલંબ થતા અરજદારો હેરાન પરેશાન
શાળા કોલેજોમાં એડમિશનને લઇ દાખલા લેવા વિદ્યાર્થીઓનો ભારે ઘસારો; પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલ જનસેવા કેન્દ્રમા વિધાર્થીઓની ભારે ભીડ જામી રહી છે. હાલ શાળા કોલેજોમાં પ્રવેશને લઇ વિધાર્થીઓ જાતિ, આવક,નોન ક્રીમિલીયર જેવા દાખલા લેવા જનસેવા કેન્દ્રમાં ઉમટી રહ્યા છે. પરંતુ અહી સ્ટાફની ઘટને લઇ કામગીરીમાં વિલંબ થતો હોઇ વિદ્યાર્થીઓને કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે.
રાજ્યમાં ધો.10 અને 12 નું પરિણામ જાહેર થયા બાદ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રકિયા શરૂ થઈ છે ત્યારે પાલનપુરના જન સેવા કેન્દ્રમાં વહેલી સવારથી જ વિધાર્થીઓ જાતિ,આવક, નોન ક્રીમિલીયર, ઇડબલ્યુએસ સહિતનાં દાખલ કઢાવવા ઉમટી રહ્યા છે પંરતુ અહી સ્ટાફની ઘટ હોઇ દાખલા કાઢવાની કામગીરી ધીમી ગતિએ થાય છે. તેથી ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને હાલની કાળજાળ ગરમીમાં કલાકો સુધી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને ઝડપી દાખલા મળી રહે તે માટે જવાબદાર તંત્ર દ્વારા જનસેવા કેન્દ્રમાં હાલ પુરતો વધુ સ્ટાફ મૂકવામાં આવે તેવી વિધાર્થીઓ સહિત અરજદારોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

