પૂજય ગુરૂ ભગવંત વરસીતપના તપસ્વીઓને પારણા કરાવશે; તેરાપંથ જૈન ધર્મ સંઘના ૧૧ માં ધર્માચાર્ય યુગ પ્રધાન મહા તપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજી ની નિશ્રામાં ધર્મનગરી ડીસા ખાતે વર્ષીતપ પારણા મહોત્સવ (અક્ષય તૃતીયા મહોત્સવ) ના ભવ્ય આયોજન નો આજથી પ્રારંભ થયો છે. તેરાપંથ સમાજ અને આચાર્ય શ્રી મહાશ્રમણ અક્ષયતૃતીયા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ દ્વારા આયોજીત આ મહોત્સવ પ્રસંગે પૂજ્ય આચાર્ય ભગવંત મંગળવારના રોજ ડીસામાં મંગળ પ્રવેશ કર્યો હતો. સવારે જલારામ મંદિરથી સામૈયા સાથે સ્વાગત રેલી બાદ મહારાણા પ્રતાપ સ્કૂલ (એસ.સી.ડબ્લ્યુ હાઈસ્કૂલ) ખાતે સ્વાગત સમારોહ બાદ પૂજ્ય ભગવંતનું પ્રવચન યોજાયું હતું. રાત્રે ભજન સંધ્યા બાદ તા.૩૦/૪/૨૦૨૫ ના રોજ વર્ષીતપ પારણા મહોત્સવ (અથય તૃતીયા મહોત્સવ) યોજાશે.
ડીસાના આંગણે પ્રથમવાર યોજાઈ રહેલ અક્ષય તૃતીયા મહોત્સવમાં આચાર્ય શ્રી મહાશ્રમણજી ચાર દિવસનું રોકાણ કરશે. દરરોજ સવારે ૯કલાકે પૂજ્ય ભગવંતનું પ્રવચન યોજાશેપૂજ્ય ભગવંતના આગમનથી તેરાપંથ જૈન સમાજમાં અનેરો ઉત્સાહ છવાયો છે. ડીસામાં તેરાપંથી પરિવારના ૨૮ માંથી ૧૫ સહિત દેશ વિદેશમાં વસતા ૪૪૦ તપસ્વી ભાઈ બહેનોના છેલ્લા 13 માસ અને દસ દિવસથી કઠોર વર્ષીતપ ચાલી રહ્યા છે. જેઓ પૂજ્ય ભગવંતના સાનિષ્યમાં અક્ષય તૃતીયાના દિવસે પારણા કરી વર્ષીતપની પૂર્ણાસ્તુતિ કરશે.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે. જ્યારે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને પાલિકા પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર સહિત ધાર્મિક રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં શ્રાવક શ્રમણીઓ તેમજ દર્શનાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે. આચાર્ય મહાશ્રમણજીએ નેપાળ, ભૂતાન અને ભારતના ૨૩ રાજ્યોમાં અહિંસા યાત્રા દરમિયાન ૨૦ હજાર કી. મી.ના પ્રવાસમાં સદભાવના, નૈતિકતા અને નશા મુક્તિના ત્રિઆયામી ઉદેશ્યો સાથે ભગવાન મહાવીરનો સંદેશો ફેલાવ્યો હતો.
આજના પ્રસંગે સાધ્વી સંચિત પ્રજ્ઞાજી, સાધ્વી હર્ષ પ્રજ્ઞાજી, અક્ષય તૃતીયા મહોત્સવના અધ્યક્ષ વિનોદભાઈ શાહ, સ્વાગત અધ્યક્ષ ફુલચંદભાઈ શાહ, મહામંત્રી રતનભાઇ શાહ, તેરાપંથી સભાના અધ્યક્ષ પ્રકાશભાઈ શાહ, કોષાધ્યક્ષ વિમલભાઈ શાહ, પંડાલ વ્યવસ્થાપક પ્રકાશભાઈ બોરદીયા, પ્રચાર મંત્રી રાકેશભાઈ બોરદીયા સહિત જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


