બ્રિજેશ બારોટ આઇપીએસ બની દેશની સેવા કરશે : દેશભરના યુવાનો માટે શમણાં રૂપ અત્યંત કઠિન ગણાતી યુપીએસસીની પરીક્ષાનું આજે રિઝલ્ટ જાહેર થયું છે. જેમાં પાલનપુરના બ્રિજેશ બારોટે 507 મો રેન્ક મેળવી યુપીએસસી જેવી અઘરી પરીક્ષા ક્લિયર કરી પાલનપુરને ગૌરવ બક્ષ્યું છે.પાલનપુર તાલુકાના ભુતેડી ગામના વતની અને વિધામંદિરમાં સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ બારોટના પુત્ર બ્રિજેશ બારોટનું નામ આજે બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં ગુંજતું થયું છે.
પાલનપુરની વિદ્યામંદિર સ્કૂલમાંથી ધો.12 સુધી અભ્યાસ કર્યા બાદ તે અમદાવાદની નીરમાં કોલેજમાંથી કેમિકલ એન્જીનીયર સુધીનો અભ્યાસ કર્યો છે. બાદમાં તેણે દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું બીડું ઝડપ્યું હતું.બ્રિજેશ બારોટે ચોથા પ્રયત્ને આજે યુપીએસસી ક્લિયર કરી 507 મો રેન્ક મેળવી ભુતેડી ગામ સહિત પાલનપુર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. બ્રિજેશ બારોટે મેળવેલી સિદ્ધિને બિરદાવવા પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ તેઓના નિવાસ સ્થાને પહોંચી શુભેચ્છાઓ પાઠવી હતી. બ્રિજેશ બારોટની સિદ્ધિથી તેમના પરિવારજનો સહિત સ્નેહીજનોમાં હરખનું મોજું ફરી વળ્યું હતું.
નિશ્ચિત લક્ષ: ઈશ્વર પ્રત્યેની અડગ શ્રદ્ધા : બ્રિજેશ બારોટ
પોતાને મળેલી સફળતા બદલ બ્રિજેશ બારોટે માતા પિતા, પરમાત્મા અને સગા સંબંધીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રિજેશ બારોટે જણાવ્યું હતું કે, આ સમય માંગી લેતી પરીક્ષા છે. તેઓનો સેકન્ડ ઇન્ટરવ્યૂ અને ચોથો પ્રયાસ હતો. શિક્ષક પિતા અને હાઉસ વાઈફ માતાના પુત્ર બ્રિજેશ બારોટે જણાવ્યું હતું કે, તેઓએ ફાઉન્ડેશન કોર્ષની તૈયારી ઘરે કરી હતી. ટેસ્ટ સિરીઝ અને ગાઉડન્સ માટે કોચિંગ લીધું હતું. સમાજમાં સારું ઇફેક્ટ ક્રિએટ કરતી સિવિલ સર્વિસની પરીક્ષા ક્લિયર કરવાનું સપનું સાકાર થતા તેઓએ ખુશી વ્યક્ત કરી હતી. તેઓએ યુપીએસસીની તૈયારી કરતા લોકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે, નિશ્ચિત લક્ષ પરત્વે શિસ્તપૂર્વક ઇશ્વર પર શ્રદ્ધા રાખીને તૈયારી કરશો તો સફળતા તમારા કદમ ચુમશે. જ્યારે બ્રિજેશના પિતાએ પણ પોતાનો દીકરો સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી દેશ સેવા કરે તે સપનું સાકાર થતા આનંદ વ્યક્ત કર્યો હતો.


