પાલનપુરના કંથેરીયા હનુમાન વિસ્તારમાં આવેલા ગાયત્રી નગરમાં ગટરના ગંદા પાણી મિશ્રિત પીવાનું પાણી આવતા પાલિકા દ્વારા પીવાના પાણીની પાઇપ લાઇન નાખવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ પાઇપ પણ તકલાદી નાખતા પાઇપ દબી જઈ તૂટી જતા આક્રોષિત લોકોએ ઉભરો ઠાલવતા પાલિકાના શાસકો સામે ફિટકારની લાગણી વરસાવી હતી.
રાજ્ય સરકાર પાલનપુરના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે. પરંતુ પાલિકાના સત્તાધીશોની વહીવટી અણઆવડત અને કોન્ટ્રાક્ટરો સાથેની કથિત મિલી ભગતને કારણે વિકાસના કામોમાં વેઠ વાળવામાં આવતી હોવાની રાવ ઉઠી છે. શહેરના કંથેરીયા હનુમાન મંદિર વિસ્તારમાં ગાયત્રી નગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા લોકો દૂષિત પાણી પી રહ્યા હતા. જોકે, પાલિકાએ પાણીની પાઇપ લાઇન બદલવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં પીવીસીની એકદમ તકલાદી પાઇપ નાખવામાં આવતા પાઇપ દબી જતા તૂટી ગઈ હતી. જેને લીધે પાણીના કનેક્શનો લેનારા લોકોનો ખર્ચો પણ માથે પડતા લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. લોકોની ફરિયાદને પગલે સ્થાનિક નગર સેવિકા આશાબેન રાવલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં જોયું તો તદ્દન હલકી કક્ષાની પાઇપ લાઇન નાખવામાં આવી હતી. આ અંગે તેઓના જણાવ્યા મુજબ, કામ કરનાએ એજન્સીએ પોતાની ભૂલનો એકરાર કર્યો હતો. જોકે, સ્થાનિકોની જાગૃતતાને કારણે આ ગેરરીતિ બહાર આવી હતી. ત્યારે શહેરમાં આવી કેટલીયે જગ્યાએ તકલાદી પાઇપો નાખી ગુણવત્તાવગરનું કામ થયું હશે તેવો સવાલ કરતા કામગીરીનું મોનીટરીંગ પણ થતું ન હોઈ પાલિકાના કામોમાં ચાલતી ધુપ્પલબાજી સામે તપાસ કરવાની માંગ કરી હતી.

