ઘરેથી ભાગી ગયેલ પ્રેમી યુગલ હિંમતનગરમાં નામ બદલીને રહેતું હતું
પતિનું અવસાન થયા બાદ મહિલા તેના પુત્ર સાથે જીવન ગુજારતી હતી; પાલનપુર તાલુકાના સરીપડા ગામે વર્ષ 1989 માં ચૂંટણીની અદાવતમાં એક યુવતીનું અપહરણ કરાયું હોવાની ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં 36 વર્ષ બાદ પોલીસે ભોગ બનનાર મહિલાને હિંમતનગર ખાતેથી શોધી કાઢી છે. જોકે મહિલાને ગામના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી તે તેની સાથે ભાગી ગઇ હતી અને ત્યાં બન્ને જણ નામ બદલીને રહેતા હતા. જો કે વર્ષ 2003 માં પ્રેમીનું મોત નિપજતાં આ મહિલા તેના પુત્ર સાથે રહેતી હતી.
પાલનપુર તાલુકાની ગઢ પોલીસે વર્ષો જૂના અપહરણના ગુનામા ફિલ્મી કહાની જેવો ભેદ ઉકેલ્યો છે. જેમાં સરીપડા ગામે વર્ષ 1989 માં એક યુવતીનું ચૂંટણીની અદાવતમાં ગામના શંકરભાઇ ધનાભાઇ પટેલ નામના ઈસમે અપહરણ કર્યું હોવાની ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જોકે પોલીસે આ અપહૃત મહિલાની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ વર્ષો સુધી કોઈ ભાળ મળી ન હતી. 36 વર્ષ બાદ ગઢ પોલીસે અપહરણના ગુનામાં ભોગ બનનાર મહિલાને હિંમતનગર ખાતેથી શોધી કાઢી છે. જોકે આ મહિલાએ જણાવ્યું હતું કે તેને શંકરભાઇ ધનાભાઈ પટેલ સાથે પ્રેમ સંબંધ હોઇ અને તેના પ્રેમીને તેના પરિવારજનો સ્વીકારવા તૈયાર ન હતા.તેથી તેઓ બન્ને ભાગી ગયા હતા. અને બન્ને જણ પોતાના નામ બદલીને હિંમતનગર ખાતે પતિ પત્ની તરીકે રહેતા હતા. જ્યા તેમને એક પુત્રનો જન્મ થયો હતો. જેની ઉંમર હાલ 35 વર્ષ છે. જોકે આ મહિલાના પતિનું વર્ષ 2003 માં કેન્સરની બીમારીના કારણે મરણ થયા બાદ તે તેના પુત્ર સાથે રહેતી હતી. આ વર્ષો જૂના અપહરણ ગુનામાં આરોપી મરણ પામેલ હોઇ બનાવમાં પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

