રહીશોએ નર્મદા પાઈપલાઈનનું કામ અટકાવ્યું; ગુરુવારે સવારે ડીસા પાટણ હાઈવેથી વીરેન પાર્ક જતા રોડ ઉપર નર્મદાની પાઇપ લાઈન નાખવા માટે રોડ તોડવાનું શરુ કરાતા પાલિકાના આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ તેમજ રહીશોએ ભેગા મળી આ કામ બન્ધ કરાવ્યું હતું. નર્મદાના પાણીની પાઇપ લાઈન નાખવા માટે હાલમાં ડીસાના પાટણ હાઈવેથી ખોડિયાર પાર્લર અને ત્યાંથી હવાઈ પિલ્લર સુધી રોડ તોડી પાઇપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે ડીસા નગરપાલિકાએ 15 દિવસ પહેલા જ વીરેન પાર્ક અને રત્નાકર સોસાયટી આગળનો ડામર રોડ સરફેરસીંગ કરી તેનું નવીનીકરણ કર્યું હતું પણ 15 દિવસમાં જ આ રોડ તોડવાનો વર્ક ઓર્ડર પાલિકા દ્વારા કઈ રીતે અપાયો? તે પણ એક સવાલ છે.
જોકે આ બાબતે આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈએ જણાવ્યું હતું કે પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ ચલાવી લેવાય નહીં અને નગરપાલિકાએ આ બાબતનો વર્ક ઓર્ડર કઈ રીતે આપ્યો? તે પણ એક સવાલ છે અને પાઇપ નાખવાની હતી તો રોડ કેમ બનાવ્યો? આમ પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કરી શકાય નહીં. જેથી કરીને અત્યારે અમોએ કામગીરી અટકાવી છે. વધુમાં અહીં પાઇપો મૂકી આ રોડ આવન જાવન માટે બંધ કરેલ છે. જેથી હાલમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પણ બહુજ તકલીફ પડે તેમ છે. કોઈપણ સુચના વગર આ કામગીરી શરુ કરેલ છે. જેમાં ડીસા નગરપાલિકાના કોઈ કર્મચારી હાજર હતા નહી તેમ જણાવ્યું હતું.