માર્ગ અકસ્માતની દહેશત છતાં તંત્રના આંખ આડા કાન; ભાભર -સુઈગામ નેશનલ હાઈવે પર નવીન રોડ બનાવવાની કામગીરી ગોકળ ગતીએ ચાલી રહી છે. ત્યારે ઉબડ ખાબડ રોડના કારણે કેટલીક ગાડીઓના ટાયર ફુટી જતા હોય છે અને કેટલાક વાહનોને નાના મોટું નુકસાન વેઠવું પડે છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જેથી આ વિસ્તારના લોકો અને વાહન ચાલકો ભારે નુકશાની વેઠી રહ્યા છે.
ભાભર -રાધનપુર હાઈવે પર ગાય સર્કલથી 300 મીટર દુર બે મોટા દસ દસ ફુટના ખાડા મહિનાઓથી ખોદેલા છે. જેથી વાહન ચાલકોને અકસ્માતનો પુરે પુરો ભય છે છતાં તંત્ર દ્વારા આ ખાડા પણ પુરાણ કરવાની કોઈ જ કામગીરી ન કરતા તેમજ રોડનું કામ ચાલુ છે તેવું કોઈ જાહેર સુચન બોર્ડ પણ ન લગાવતા લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આસ પાસના રહીશોએ જણાવ્યું હતું કે રોડની સાઇડમાં બોર્ડ ઊભા કરવા માટે આ હાઇવે રોડની બંને સાઈડમાં છેલ્લા એક મહિનાથી ખાડા ખોદેલા છે. પરંતુ કોઈ જ કામગીરી આગળ વધેલ નથી. જો કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ? તેવો સવાલ કર્યો હતો. ત્યારે કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા તાત્કાલિક ઘોરણે ખાડા પુરવામાં આવે અને કામ ઝડપી પૂર્ણ થાય એવી લોકોની અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.