ત્રણ તબક્કામાં લેવાનાર પરિક્ષામાં કુલ 2.20 લાખ વિધાર્થીઓ પરિક્ષા આપશે; હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી 27 માર્ચથી માર્ચ-જૂન 2025ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પરીક્ષાઓમાં કુલ 2 લાખ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. જયારે પરીક્ષાઓ ત્રણ તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબક્કામાં 27 માર્ચ થી સ્નાતક સેમેસ્ટર 6 અને અનુસ્નાતક સેમેસ્ટર 4ની પરીક્ષાઓ લેવાશે જયારે બીજા તબક્કામાં 7 એપ્રિલથી સ્નાતક સેમેસ્ટર 4 ની પરીક્ષાઓ શરૂ થશે અને ત્રીજા તબક્કામાં 21 એપ્રિલથી સ્નાતક સેમેસ્ટર 2 અને અનુસ્નાતક સેમેસ્ટર 2ની પરીક્ષાઓ યોજાશે.
યુનિવર્સિટી હેઠળના પાંચ જિલ્લાઓમાં 130 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાઓ લેવાશે. બીએ, બીકોમ,બીઆરએસ, બીએસસી,બીએસડબ્લ્યુ, એમએસડબલ્યુ અને એમએસસી જેવા અભ્યાસ ક્રમોની પરીક્ષાઓ યોજાશે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ના જણાવ્યા મુજબ, ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓ ત્રણ સેશનમાં લેવાશે. આર્ટ્સના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી તેમની પરીક્ષા સવારના સેશનમાં રાખવામાં આવી છે. ગેરરીતિ અટકાવવા માટે સેન્ટ્રલાઈઝ્ડ ઓબ્ઝર્વેશન પદ્ધતિનો ઉપયોગ કરાશે. ઓબ્ઝર્વર્સ યુનિવર્સિટીથી પરીક્ષા કેન્દ્રો પર જશે અને ઉત્તરવહીઓ પરત લાવશે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો પર ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.