સરદાર સરોવર યોજના હેઠળ 17 જિલ્લાઓના 18 લાખ હેક્ટર ખેતરોમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવાની યોજના, 30 જિલ્લાઓમાં મળી રહ્યું છે પીવાનું પાણી
(જી.એન.એસ) તા. 21
ગાંધીનગર,
દર વર્ષે 22 માર્ચનો દિવસ ‘વિશ્વ જળ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આ દિવસ નિમિત્તે ગુજરાતના જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન મૉડેલ અંગે પણ ચર્ચા કરવી જરૂરી છે. 196 લાખ હેક્ટરનો વિસ્તાર ધરાવતા આ રાજ્યએ છેલ્લા અઢી દાયકામાં પોતાની દૂરંદેશી યોજનાઓ દ્વારા જળ સંકટને અવસરમાં પરિવર્તિત કરીને જળ સુરક્ષા, કૃષિ સમૃદ્ધિ અને રોજગારીનું સર્જન સુનિશ્ચિત કર્યું છે.
ગુજરાતની આ અવિશ્વસનીય જળ સમૃદ્ધિ યાત્રાના મુખ્ય સૂત્રધાર છે શ્રી નરેન્દ્ર મોદી, જેમણે લગભગ દોઢ દાયકા સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં જળ સંરક્ષણ અને તેના સંવર્ધનની દશા અને દિશા બદલી નાખી. આજે ગુજરાતે 70 લાખ હેક્ટરની સિંચાઈ ક્ષમતામાંથી 61.32 લાખ હેક્ટરનો કાર્યક્ષમ ઉપયોગ કરી લીધો છે. આ ઉપરાંત, 1,87,403 ચેક ડૅમના નિર્માણથી ભૂગર્ભજળ રિચાર્જ અને ટકાઉ પાણી પુરવઠો સુનિશ્ચિત થયો છે.
જળ વ્યવસ્થાપનમાં ગુજરાતની આ સફળતાની નોંધ રાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ હતી, જ્યારે ઑક્ટોબર 2024માં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ સમારોહમાં ગુજરાતને ઉત્કૃષ્ટ જળ વ્યવસ્થાપન માટે સન્માનિત કર્યું હતું.
સરદાર સરોવર યોજના બની ગુજરાતની જીવાદોરી
ગુજરાતના જળ વ્યવસ્થાપનમાં સૌથી મહત્વપૂર્ણ છે સરદાર સરોવર યોજના, જે આજે રાજ્યની જીવાદોરી બની ગઈ છે. આ એક પ્રોજેક્ટથી સમગ્ર ગુજરાતમાં પાણી પુરવઠા અને સિંચાઈમાં ક્રાંતિ આવી છે. 163 મીટર ઊંચા આ એક બંધથી ગુજરાતના 17 જિલ્લાઓના 3173 ગામોમાં લગભગ 18 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડવાની યોજના છે અને હાલમાં 30 જિલ્લાઓના 10,453 ગામડાઓ અને 183 શહેરોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
સુજલામ સુફલામ યોજના: જળ સંકટથી સમાધાન સુધી
ઉત્તર અને મધ્ય ગુજરાત માટે સમર્પિત સુજલામ સુફલામ યોજના ગુજરાતની જળ ક્રાંતિમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ, 337 કિમી લાંબી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો છે અને ભૂગર્ભજળનું સ્તર પણ વધ્યું છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં નર્મદાના સરપ્લસ પાણીનો ઉપયોગ કરવા માટે 14 લિફ્ટ સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 13 પૂર્ણ થઈ ગયા છે. અત્યાર સુધીમાં પૂર્ણ થયેલા આ પ્રોજેક્ટ્સ દ્વારા 550 ગામોના 959 તળાવોને જોડીને 1,02,700 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવી રહ્યો છે.
આદિવાસી સમુદાયો માટે જળ સુરક્ષાની ગેરંટી બની વનબંધુ કલ્યાણ યોજના
ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં જળ સમસ્યાના ઉકેલ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મોટા પાયે જળ સંરક્ષણ પરિયોજનાઓ શરૂ કરી છે. આ યોજના હેઠળ, 26,951 જળ સંરક્ષણ પરિયોજનાઓ પૂર્ણ થઈ ચૂકી છે, જેનાથી 4,07,983 હેક્ટર આદિવાસી જમીનને ફાયદો થયો છે. આ ઉપરાંત, 9 મુખ્ય લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે, જેનાથી 48,988 હેક્ટર જમીન અને 605 ગામોને પાણી ઉપલબ્ધ થયું છે. આદિવાસી સમુદાયોને આત્મનિર્ભર બનાવવામાં આ પહેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
સૌરાષ્ટ્રની જીવનરેખા સમાન SAUNI યોજના
ગુજરાતની SAUNI યોજના સૌરાષ્ટ્ર ક્ષેત્રની જીવાદોરી બની રહી છે. આ અંતર્ગત, 1 MAF (મિલિયન એકર ફૂટ) નર્મદાનું વધારાનું પાણી 1,320 કિમી લાંબી પાઇપલાઇન નેટવર્કના માધ્યમથી 99 જળાશયોમાં પહોંચાડવામાં આવ્યું છે, જેનો લાભ 8.24 લાખ એકર જમીનને મળશે. આ ઉપરાંત, કચ્છ જળ પરિયોજનાના પ્રથમ તબક્કા હેઠળ ₹4,118 કરોડના ખર્ચે 4 મુખ્ય પાઇપલાઇન લિંક પણ બનાવવામાં આવી રહી છે, જેથી આ પ્રદેશમાં પાણી પુરવઠો સુનિશ્ચિત કરી શકાય.
જળ સ્ત્રોતોના પુનઃસ્થાપનથી ગુજરાતના જળનું ભવિષ્ય સુરક્ષિત
ગુજરાત સરકાર દ્વારા 2018માં શરૂ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ, 1.07 લાખ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે, જેના કારણે પાણીની સંગ્રહ ક્ષમતામાં 119,144 લાખ ઘન ફૂટનો વધારો થયો છે. તેવી જ રીતે, કેન્દ્ર સરકારના ‘જળ સંચય, જનભાગીદારી’ અભિયાનને રાજ્યમાં સામુદાયિક ભાગીદારી સાથે જળ સંરક્ષણને એક જન અભિયાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે ચેકડૅમ, તળાવો ઊંડા કરવા અને વરસાદી પાણીના સંગ્રહ દ્વારા ભૂગર્ભજળના સ્તરમાં સુધારો થયો છે. આ ઉપરાંત, ‘અમૃત સરોવર’ પહેલ પણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે અને હાલમાં રાજ્યના 33 જિલ્લાઓમાં 2650 અમૃત સરોવરનું નિર્માણ થઈ ચૂક્યું છે.
હર ઘર જલ: 100% ‘નલ સે જલ’ની સિદ્ધિ
કેન્દ્ર સરકારની જલ જીવન મિશન યોજના હેઠળ રાજ્ય સરકારે મજબૂત પાઇપલાઇન નેટવર્ક અને જળ સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ પર ભાર મૂક્યો છે, જેના કારણે દરેક ઘર સુધી સ્વચ્છ પીવાનું પાણી પહોંચ્યું છે. ખાસ કરીને, અંતરિયાળ અને પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં આધુનિક ટેક્નોલૉજી અને જળ સંરક્ષણ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે. આ સફળતાના પરિણામે ગુજરાતે ‘હર ઘર જલ’નું લક્ષ્ય પ્રાપ્ત કરનારા અગ્રણી રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.