અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો; ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા અસામાજિક તત્વો સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગ રૂપે ડીસા શહેરમાં ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકીના નેતૃત્વ હેઠળ સોમવારની રાત્રે એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય રાત્રિના સમયે શહેરમાં ફરતા શંકાસ્પદ વ્યક્તિઓ અને અસામાજિક તત્વો પર લગામ લગાવવાનો હતો.
આ ડ્રાઇવમાં ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. પોલીસ ટીમોએ શહેરના વિવિધ મહત્વપૂર્ણ સ્થળો જેવા કે બગીચા વિસ્તાર, દીપક હોટલ ચાર રસ્તા, માર્કેટ યાર્ડ ચાર રસ્તા, ગાયત્રી મંદિર સર્કલ, જલારામ સર્કલ વગેરે સ્થળોએ સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ તેમના વિસ્તારમાં અથવા આસપાસ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જુએ તો તરત જ પોલીસને જાણ કરે. પોલીસે લોકોને કાયદાનું પાલન કરવાનું મહત્વ સમજાવ્યું હતું અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ ન થવાની સલાહ આપી હતી.
આ ડ્રાઇવનો મુખ્ય હેતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવવાનો અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારવાનો હતો. પોલીસની આ પહેલથી શહેરમાં અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને નાગરિકોએ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આવી ડ્રાઇવ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.