પાલનપુરમાં અસામાજિક તત્વો સામે તવાઈ; પાલનપુરના એરોમાં સર્કલ પર હાથ ધરાયું વાહન ચેકીંગ: બેફામ, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતા ચાલકો સામે લાલ આંખ ગૃહ રાજ્ય મંત્રી અને ડી.જી.પી. ના આદેશને પગલે બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે. અસામાજિક તત્વો સામે તવાઈ હાથ ધરતા પાલનપુરના એરોમાં સર્કલ પર વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.
100 કલાકમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની ગૃહ રાજ્ય મંત્રીની સુચનાને પગલે બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે. અસામાજિક તત્વો સામે હાથ તવાઈ હાથ ધરતા પાલનપુર એરોમાં સર્કલ પર પોલીસે ગત રાત્રે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં બેફામ વાહન ચલાવતા, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતા વાહન ચાલકો અને વાહનોમાં મારક હથિયારો લઈને ફરતા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે ડ્રાઇવ રોજ ચાલુ રહેશે તેવું ડીવાયએસપી ડો.જીગ્નેશ ગામીતે જણાવ્યું હતું. આગામી તહેવારો શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે પોલીસ કટિબદ્ધ બની છે. ત્યારે ગામમાં દારૂ-જુગારના અડ્ડા ચલાવતા અસામાજિક તત્વો સામે પણ પગલાં ભરાય તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.
પોલીસે વોટ્સપ નંબર જાહેર કર્યો; ગૃહ મંત્રી અને ડીજીપીના 100 કલાકમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાના આદેશને પગલે હરકતમાં આવેલી બનાસકાંઠા પોલીસે ઠેરઠેર વાહન ચેકીંગ હાથ ધર્યું છે. જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ, 221 જેટલા અસામાજિક તત્વોની યાદી પણ તૈયાર કરાઈ છે. તો વળી પ્રજા જોગ એક વોટ્સપ નંબર પણ જાહેર કરાયો છે. જેમાં બનાસકાંઠાવાસીઓને લુખ્ખાગીરી કે ગુંડાગીરીથી પરેશાન હોવ તો ક્રાઈમ બ્રાન્ચ ને જાણ કરવા જણાવાયું છે. પોલીસે વોટ્સપ નંબર 99131 61000 જાહેર કર્યો છે. જેમાં ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત રાખી યોગ્ય ઇનામ આપવાનું પણ એલાન કર્યું છે. આમ, બનાસકાંઠા પોલીસે હવે અસામાજિક તત્વોની ભાળ મેળવવા પ્રજાજનોનો સહારો લેવાની ફરજ પડી છે.