ગામમાં આગ લાગવાની પૌરાણિક માન્યતાથી હોળી મનાવાતી નથી
બનાસકાંઠા જિલ્લાના રામસણ ગામે હોલિકા દહન થતુ નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળીના પ્રગટવાની પરંપરા આજે ૨૧૧ માં વર્ષે પણ અકબંધ છે. જોકે દર વર્ષે દેશભરમાં જયારે ધામધૂમથી રંગોના તહેવાર એવી હોળીને ઉલ્લાસભેર ઉજવામાં આવે છે. પરંતુ વર્ષોથી આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલું રામસણ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામે અહિંયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી.
રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ ૧૨ હજારની વસ્તી છે અને આ ઐતિહાસિક ગામમાં વર્ષો પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી. પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની લપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા. જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા. આગ કેમ લાગી તેની લોક માન્યતા એવી છે કે, આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું. જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે, હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે એટલે હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબાહી સર્જાઈ. આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા. આમ ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું ત્યારથી જ હોળી પ્રગટાવવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે.
હોળીની ખુશી નહીં પણ ગમ; આ બાબતે રામસણ ગામના પૂર્વ સરપંચ સુમેરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, જયારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોએ જણાવ્યા મુજબ વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે અને લોકો ધ્રુજી ઉઠે છે. આજે પણ ગામના એવા લોકો છે કે જેમને ખબર પણ નથી હોળીનો તહેવાર એટલે શું ? એટલે ગામના યુવાનો જયારે બીજા ગામ જઈને હોળીને જોવે છે તો એમને પણ દુ:ખ થાય છે કે આજના વૈજ્ઞાનિક યુગમાં અમારા ગામમાં કેમ હોળીના તહેવારની ઉજવણી થતી નથી