વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ મજબૂત: દેશે 10 વર્ષમાં અનેક ક્ષેત્રે પ્રગતિ કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સૈનિક સ્કૂલ શાળા બિલ્ડીંગનું લોકાર્પણ અને પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
(જી.એન.એસ) તા. 8
જૂનાગઢ,
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે આજે જુનાગઢ જિલ્લાના ચાપરડા સ્થિત બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે શ્રી મુક્તાનંદ બાપુ ની પ્રેરક ઉપસ્થિતિમાં સૈનિક સ્કૂલ શાળા બિલ્ડીંગ, સૈનિક સ્કૂલ સ્ટાફ ક્વાર્ટર ભવન, જય અંબે હોસ્પિટલ ડોક્ટર ક્વાર્ટર બિલ્ડીંગ, જય અંબે હોસ્પિટલ મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ અને બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવનનું લોકાર્પણ તેમજ પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર સંસ્કૃત શક્તિ ગુરુકુળનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ અવસરે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે શ્રી મુક્તાનંદ બાપુ ના નેતૃત્વમાં બ્રહ્માનંદ ધામમાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષણ ઉપરાંત અન્ય માનવસેવાના કાર્યો સંસ્થામાં આગળ વધી રહ્યા છે, શ્રી મુક્તાનંદ બાપુએ કચ્છ- કંડલામાં સેવા કાર્યો પણ કર્યા છે તે અંગે આનંદ વ્યક્ત કરતા વધુમાં કહ્યું કે મુક્તાનંદ બાપુએ મહાકુંભમાં પણ સેવા કાર્યો કર્યા છે.
મહાકુંભમાં સરકાર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી તે અંગે શ્રી મુક્તાનંદ બાપુએ વાત કરી એ સંદર્ભમાં ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે મહાકુંભે ભારતની સનાતની સંસ્કૃતિનો મજબૂત સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં આઝાદી પછી જે પેન્ડિંગ પ્રશ્નો હતા તેનું નિરાકરણ આવ્યું છે. રાષ્ટ્રની સુરક્ષામાં દેશ કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ મજબૂત બન્યો છે.
દસ વર્ષ પહેલા ખેડૂતો માટે માત્ર 22,000 કરોડ હતા હવે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેનાથી છ ગણા વધારે 1,37,000 કરોડ અને 25 લાખ કરોડ ખેડૂતોને લોનમાટે આપવામાં આવ્યા છે તેમ પણ જણાવ્યું હતું.
દેશની સાંસ્કૃતિક વિરાસતોના વિકાસના સંદર્ભમાં કહ્યું કે કાશી કોરીડોર અને વિકાસ કાર્યો, રામ મંદિર નિર્માણ અને સોમનાથ મંદિર પણ સુવર્ણજડિત થઈ રહ્યું છે. આજે સોમનાથ મહાદેવના દર્શન, કોડીનારમાં સુગર ફેક્ટરીનું કાર્ય અને આજે સૈનિક સ્કૂલ બિલ્ડિંગનું લોકાર્પણ,આ મહત્વના કાર્યો આજે થયા તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શ્રી મુક્તાનંદ બાપુએ રાષ્ટ્રપ્રથમની ભાવનાને આત્મસાત કરી, દેશને મજબૂત બનાવવા માટે આહુતિ આપવાનું આહવાન કરતા કહ્યું કે, રાષ્ટ્રધ્વજ અને બંધારણનો આદર તથા દેશ માટે વફાદારી અનિવાર્યતા છે, તેમ જણાવતા કહ્યું કે, સદીઓ બાદ દેશને સારું નેતૃત્વ પ્રાપ્ત થયું છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ ભારતવર્ષને ઉન્નતિના શિખરો પર લઈ જઈ રહ્યા છે. દેશને વિકસિત હરોળમાં પહોંચાડવા માટે જરૂરી કાર્ય કરવામાં આવી રહ્યા છે. દેશની સુરક્ષા મજબૂત બનાવવા, રોજગારી આપવા, મહિલા સશક્તિકરણના જરૂરી પગલાઓ લેવાની સાથે ખેડૂતો માટેના બજેટમાં પણ ખૂબ વધારો કર્યો છે. ઉપરાંત શ્રી મુક્તાનંદ બાપુએ કહ્યું કે, ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે દેશની આંતરિક સુરક્ષાઓ ખૂબ મજબૂત બનાવી ૩૭૦ની કલમ શાંતિપૂર્ણ રીતે દૂર કરી છે.
તેમણે કહ્યું કે, સરકારે ગિરનારના વિકાસ કાર્યો માટે રૂ. ૧૦૦ કરોડથી વધુનું અનુદાન આપ્યું છે, સાથે જ ગિરનાર ભારતવર્ષમાં એક આગવી ઓળખ બને તે દિશામાં કામગીરી પણ કરવામાં આવી છે.
આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરતા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે કહ્યું કે, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે આજનો દિવસ ઐતિહાસિક છે, વર્ષોથી કોડીનારની સુગર ફેક્ટરી મીલ બંધ હતી, તે આજે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ફરી શરૂ થઈ છે. જેનો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને ફાયદો થશે. વધુમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જમ્મુ કશ્મીર રાજ્ય માટેના બંધારણના અનુચ્છેદ ૩૭૦ દૂર કરવાનો શ્રેય સફળ તરીકે ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહને જાય છે. ઉપરાંત શ્રી મુક્તાનંદ બાપુના સામાજિક શૈક્ષણિક ક્ષેત્ર સેવા કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શ્રી મુક્તાનંદ બાપુએ ઝારખંડ, છત્તીસગઢ જેવા નક્ષલ પ્રભાવિત રાજ્યમાં પણ વિનામૂલ્ય શિક્ષણની સુવાસ પ્રસરાવી છે. આ સાથે બ્રહ્માનંદ પરિવારના દેશ વિદેશથી વર્ચ્યુઅલી જોડાયેલા સેવકોનું પણ સ્વાગત અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ સાથે જોડાયેલા શ્રી ગિજુભાઈ ભરાડ, શ્રી અજયભાઈ ગુડકા, શ્રી નવીનભાઈ પટેલ, શ્રી અર્જુનસિંહ રાઠોડ, શ્રી સંજયભાઈ વઘાસિયા સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.