બાલાજી નગર પાસે ઘરેલું ગેસ લાઈનમાં લીકેજ:ગેસ પુરવઠો ખોરવાયો, પાલનપુર-ડીસા હાઇવે પર બાલાજી નગર પાસે રાંધણ ગેસની પાઇપ લાઇન તૂટતાં લીકેજ થઇ હતી. જેને લઈને આસપાસમાં ગેસની ગંધ પ્રસરી જવા ની સાથે આસપાસની સોસાયટીઓમાં ગેસનો પુરવઠો થોડા સમય માટે ખોરવાતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
પાલનપુર-અમદાવાદ હાઇવે પર બાલાજી નગર પાસે સારથી ઓટો શો- રૂમની બાજુમાં હોસ્પિટલના બાંધકામ ની કામગીરી ચાલી રહી છે. જેની જેસીબી દ્વારા ચાલી રહેલી કામગીરી દરમિયાન ઘરેલું ગેસની પાઇપલાઇન તૂટી હતી. ગેસની પાઇપ લાઇન તૂટતાં ઘરેલું ગેસ નો વેડફાટ થયો હતો. જોકે, ગેસની પાઇપ લાઈનમાં લીકેજ થતા પ્રેશર સાથે ગેસ બહાર આવતા તીવ્ર વાસ આવતા હાઇવે પર રાહદારીઓ અને વાહનચાલકોમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં ગેસ કંપની દ્વારા સમારકામના પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે, રસોઈ બનાવવાના સમયે જ ગેસ લીકેજ થતા પુરવઠો બંધ થતાં આસપાસની સોસાયટીઓની ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ હતી. જોકે, સમારકામ બાદ ગેસ પુરવઠો પૂર્વવત થતા ગૃહિણીઓ સહિત આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આડેધડ ખોદકામથી દુર્ઘટનાની ભીતિ; પાલનપુર શહેરમાં ઠેરઠેર નીતનવા બાંધકામો થઈ રહ્યા છે. જેના ખોદકામ દરમિયાન પાણીની, ટેલિફોનની, કેબલ કનેક્શન સહિત રાંધણ ગેસની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતું રહે છે. ડીસા હાઇવે પર હોસ્પિટલના બાંધકામમાં પણ સેફટીના અભાવ વચ્ચે ભોંયરૂ બનતું હોય તેવા ઊંડા પાયા ખોદવામાં આવ્યા છે. ત્યારે આજે જેસીબીની કામગીરી દરમિયાન રાંધણ ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા ગેસ લીકેજ ની ઘટના ઘટી હતી. જોકે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારે આવા બાંધકામ ટાણે બિલ્ડરો દ્વારા પૂરતી સાવચેતી દાખવવામાં આવે તે જરૂરી બન્યું છે.