ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ; ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઇવે ઉપર નવિન ગંજબજાર પાસે સિદ્ધપુર થી અમદાવાદ તરફ જતા હાઇવે ઉપર પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ ગાડી રોડની સાઈડમાં ચોકડીમાં ઉતરી જતા ગાડી પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જ્યારે બે જણાને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અજીમણા ગામના રોહિત કુમાર નારણભાઈ દેસાઈ તેના ભાઈની સ્વિફ્ટ ગાડી લઈ વિકાસ અને ઈલેશને બેસાડી અમદાવાદ જઈ રહ્યો હતો. તે દરમિયાન ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા બ્રાહ્મણવાડા હાઇવે ઉપર ગાડી રોડની સાઈડમાં ઉતરી જવા પામી હતી તેમજ પલટી ખાઈ ગઈ હતી. જેમાં ત્રણ જણાને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે 108 મોબાઇલ વાન મારફતે ઊંઝા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રોહિત નારણભાઈ દેસાઈનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જ્યારે વિકાસ અને ઈલેશને ઇજાઓ પહોચતા સારવાર અર્થે ધારપુર ખસેડવામા આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે વિકાસ અભાભાઇના નિવેદને આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.