દાતા સુધીરભાઈ એ નાનકડા ડાલવાણા ગામની દિશા અને દશા બદલી નાખી!
450 થી વધુ બહેનો આત્મનિર્ભર બનાવી અન્ય ગામો માટે પ્રેરણાદાયક કાર્ય કર્યું
બનાસકાંઠા જિલ્લાનું ડાલવાણા ગામ એક નાનું ગામ છે. પરંતુ આ ગામ જિલ્લામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. કેમ કે આ ગામમાં સુધીરભાઈ નામના એક એવા દાતા છે કે, જેમના થકી ગામની 750 થી વધુ દિકરીઓ આત્મરક્ષણ માટે કરાટેની તાલીમ લીધી છે. તો બીજી બાજુ ગામની 450 થી વધુ બહેનો ગૃહ ઉધોગ આત્મનિર્ભર પણ બની છે. અને હજુપણ મહિલા સહશક્તિકરણ માટે વિવિધ વર્ગો કાર્યરત છે. આમ એક દાતાએ આ નાનકડા ગામની દિશા અને દશા બંને બદલી નાખી છે. ત્યારે દાતા દ્વારા રવિવારે આગેવાનોની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કરાટે અને જુડોના બળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું ડાલવાણા ગામ વસ્તીની દ્રષ્ટિએ નાનું ગામ છે. પરંતુ આ ગામને વિકાસની દિશામાં લઈ જવા છેલ્લા 20 વર્ષથી ગામના જ વતની પરંતુ વ્યવસાય અર્થે મુંબઈ સ્થિત થયેલા જૈન શ્રેષ્ઠી અને દાતા સુધીરભાઈ કેશવલાલ અને તેમના ધર્મપત્ની દિનાબેન દ્વારા પોતાના માદરે વતન ના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા હતા. જેના ભાગરૂપે દિન પ્રતિદિન મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર અને છેડતી ના બનાવોને ધ્યાનમાં રાખી દિકરીઓ વિકટ પરિસ્થિતિ માં પોતાનું આત્મરક્ષણ કરી શકે તેવા ઉમદા આશયથી દાતા સુધીરભાઈ દ્વારા ગામની સ્કૂલમાં વર્ષ 2008 થી કરાટે અને જુડોની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. જે આજે પણ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ગામની 750થી વધુ દિકરીઓ આત્મરક્ષણ માટે સજ્જ બની છે. કરાટે માટેના ક્લાસ અને તેના યુનિફોર્મ સહિત વિવિધ કોમ્પિટિશન માં જોડાવા માટે નો તમામ ખર્ચ દાતા સુધીરભાઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો આ સાથે ગામની દિકરીઓ અને મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટે વિવિધ ગૃહ ઉધોગો ના તાલીમ વર્ગો પણ વર્ષોથી ચલાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગામની 800થી વધુ દિકરીઓ એ રોજગાર માટેની તાલીમ લીધી છે. જેમાં હાલમાં સીવણ, મહેંદી મુકવી, બ્યુટીપાલર, બેકરી, હસ્તકલા સહિત વિવિધ ગૃહઉધોગ થકી 450 થી વધુ બહેનો રોજગારી મેળવી રહી છે. જેના થકી આત્મનિર્ભર બની છે. આમ દાતા દિનાબેન અને સુધીરભાઈએ એક નાનકડા ગામની દશા અને દિશા બદલી દીધી છે.
બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ સ્વસહાય જૂથ ડાલવાણા માં! બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ ને આર્થિક પગભર બનવા અને સરકાર સ્વસહાય જુથો બનાવી રહી છે. જેમાં સહભાગી બની ડાલવાણા ગામના દાતા દિનાબેન અને સુધીરભાઈ દ્વારા આ સ્વસહાય જૂથને પ્રોત્સાહન મળે તે હેતુથી તેમના દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે. તો સરકાર પણ તેના તરફથી સહયોગ કરે છે. પરિણામે બનાસકાંઠા જિલ્લામાં એક જ ગામમાં સૌથી વધુ 27 સ્વસહાય ગ્રુપ ચાલતા હોય તે ડાલવાણા ગામ છે.
ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ડાલવાણા માં! સરકાર અને ગામના દાતા દિનાબેન અને સુધીરભાઈ ના આર્થિક સહોયગ થકી ઉત્તર ગુજરાત નું સૌથી મોટું અને સુંદર “દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ” પણ ડાલવાણા માં નિર્માણ પામ્યું છે. અને હજુ પણ આ ગ્રાઉડમાં આવનારા સમયમાં વધુ સુવિધાઓ ઉભી કરાવવા દાતા અને સરકારનું આયોજન છે.
ડાલવાણા ગામના વિકાસ માટે દાતા સહિત રાજનેતા અને તંત્રનો પણ પૂરો સહયોગ ડાલવાણા ગામના આ વિકાસ કાર્યોમાં ગામના દાતા સહિત રાજનેતાઓ અને સરકરી તંત્રના પૂરતા પ્રયત્નો અને સહયોગ રહ્યો છે. જેના પરિણામે આ નાનકડા ગામને સમગ્ર જિલ્લામાં પોતાની આગવી ઓળખ મળી છે.