ગઢથી અમદાવાદ રૂટની આ બસને વર્ષો અગાઉ બંધ કરાઇ હતી; અમદાવાદને જોડતી બસ શરૂ કરાય તો ગઢ પંથકના લોકોને ફાયદો થઇ શકે; પાલનપુર તાલુકાના ગઢ ગામથી અમદાવાદને જોડતી ગઢ -અંબિકાનગર એસટી બસ વર્ષો અગાઉ ચાલતી હતી પરંતુ એસટી વિભાગ દ્વારા આ બસને એકાએક બંધ કરી દેવામાં આવી હતી અને ફરી આ બસ ટાકરવાડાથી અંબિકાનગર સુધીની બસ શરૂ કરવામાં આવી છે ત્યારે આ બસને ગઢ ગામ સુધી લંબાવવાની માંગ ઉઠી છે.
પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢ ગામ તેમજ આજુબાજુના ગામના લોકો ધંધાર્થે અમદાવાદ સાથે સંકળાયેલા છે તેમજ કેટલાક લોકો અમદાવાદ સ્થાઇ થયેલા હોઇ એસટી નિગમ દ્વારા વર્ષો પહેલા ગઢથી અંબિકાનગર (અમદાવાદ) રૂટની બસ ચલાવવામાં આવતી હતી. જેને સારા એવા મુસાફરો પણ મળતા હતા પરંતુ એસટી નિગમે આ બસ બંધ કરી દીધી હતી જેને લઇ ગઢ વિસ્તારમાં લોકોને અમદાવાદ જવા માટે પાલનપુર સુધી લાંબા થવું પડી રહ્યુ છે જોકે એસટી નિગમે ગઢ રૂટથી બંધ કરેલ બસ ટાકરવાડાથી શરૂ કરી છે ગઢ વિસ્તારના લોકોને આ બસનો લાભ મળી રહે તે માટે ટાકરવાડા અંબિકાનગર (અમદાવાદ) બસને ગઢ સુધી લંબાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે પાલનપુર વિભાગીય એસટી નિયામક આ બાબતે યોગ્ય નિર્ણય કરે તેવો લોકોનો સુર ઉઠવા પામ્યો છે.