પાટણ શહેરના વોર્ડ નંબર ૭ માં પાણીની પાઇપલાઇન માં ભંગાણ સજૉતા લોકોને હાલાકી
પાટણ ભાજપ શાસિત નગરપાલિકા પાટણ શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ પાટણ શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારોમાં અવાર-નવાર પાણીની પાઇપ લાઇનો લીકેજ થવાનો સિલસિલો યથાવત રહેતા પાટણના નગરજનોને પારાવાર હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે. ગતરોજ પાટણ શહેરના વોર્ડ નંબર ૭ માં જળચોક, વાડીયોવાસ રોડ પર જીયુડીસી દ્રારા ચાલતી ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી દરમ્યાન મુખ્ય પાણીની પાઇપલાઇન માં ભંગાણ પડતા આ વિસ્તારના સ્થાનિક રહીશો ને પાણી માટે પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો.
પાઈપ લાઈનના ભંગાણ બાબતે આ વિસ્તારના પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ચેતનાબેન પ્રજાપતિ ને ટેલીફોનિક જાણ કરાતા તેઓએ તાત્કાલિક પાલિકા સતાધીશો નું ધ્યાન દોરી સ્થળ ઉપર પહોંચીને પાટણ નગરપાલિકાની વોટર વર્કસ શાખાનાં કમૅચારીઓને બોલાવી ભંગાણ પાણીની પાઇપલાઇનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરાવ્યું હતું. પાટણ શહેરમાં હાલમાં જીયુડીસી દ્વારા ચાલી રહેલી નવીન ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી દરમિયાન હાથ ધરાતા ખોદકામના કામને લઈને અવારનવાર શહેરના વિવિધ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાની સમસ્યાઓ સર્જાતી હોવા છતાં પાલિકા તંત્ર એક પણ અધિકારી કે કર્મચારી આ કામગીરી દરમિયાન સ્થળ પર હાજર ન રહેતા શહેરીજનોમાં પાલિકા પ્રત્યે નારાજગી સાથે રોષની લાગણી ઉદ્ભભવવા પામી છે.