પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 જેટલા પાકા દબાણો તોડી પડાયા; પાલનપુર તાલુકાના સલ્લા ગામ માં દબાણો સામે સ્થાનિક તંત્રના આંખમિચામણા વચ્ચે મામલો હાઇકોર્ટમાં ગયો હતો. જોકે, દબાણો દૂર કરાવવા મામલે સ્થાનિક પ્રસાશનની બેદરકારી સામે હાઇકોર્ટે લાલ આંખ કરી ઉધડો લેતા આજે તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ચુસ્ત પોલીસ કાફલા વચ્ચે 22 જેટલા પાકા દબાણો પર જેસીબી ફરી વળ્યું હતું.
પાલનપુર તાલુકાના સલ્લા ગામ સર્વે નં.741 માં સરપંચ સહિત 22 દબાણદારોના દબાણો દૂર કરાવવા સ્થાનિક રહીશે જિલ્લા પ્રસાશનને રજુઆત કરી હતી. જોકે, દબાણો દૂર ન થતા તેઓએ ગુજરાત હાઇકોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. ત્યારે હાઇકોર્ટના આદેશ બાદ જિલ્લા વિકાસ અધિકારી સહિતની ટીમે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પાલનપુર ટીડીઓ સહિતની ટીમ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીન દ્વારા 22 જેટલા પાકા દબાણો દૂર કરાયા હતા. આમ, હાઇકોર્ટ ની ટકોર બાદ સ્થાનિક પ્રશાસને દબાણો દૂર કરાવ્યા હતા.
હાઇકોર્ટની લાલ આંખ બાદ દબાણોનો સફાયો; પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં સરપંચ સહિત 22 લોકોના દબાણ દૂર કરવા મુદ્દે હાઇકોર્ટે ડીડીઓ સામે લાલઘૂમ બની હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, કલેકટરે કરેલા હુકમ બાદ પણ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દબાણ દૂર કરાયું ન હતું. દબાણદારોને નોટિસ પણ અપાઈ નથી અને હાઇકોર્ટના આદેશનું પણ પાલન ન થતા ડીડીઓ નો ઉધડો લઈ ચાર્જ ફ્રેમ કરવાની તૈયારી દર્શાવી હતી. જે અંગેનો અહેવાલ “રખેવાળે” પ્રસિદ્ધ કર્યો હતો. આમ, હાઇકોર્ટે કઠોર વલણ અપનાવતા સ્થાનિક પ્રશાસને આખરે આળસ ખંખેરી દબાણો દૂર કરાવ્યા હતા.