દાંતીવાડા ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયો

દાંતીવાડા ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયો

દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય સભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયો હતો. જેમાં ખેડૂત લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના ૯.૭ કરોડ લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ.૨૨,૦૦૦ કરોડની સહાય જમા કરી હતી. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ૪,૩૭,૩૩૩ ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. ૮૭.૪૭ કરોડની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ હતી.

સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં FPO તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતું. વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું, તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન સહ પ્રોત્સાહિત કર્યા  હતા.

વડાપ્રધાનના હસ્તે PM કિસાન સન્માન નિધિના ૧૯મા હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને રૂ.૨૨,૦૦૦ કરોડથી વધુની સહાય બેન્ક ખાતામાં જમા કરી હતી, જે પૈકી ગુજરાતના આશરે ૫૧.૪૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.૧,૧૪૮ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરાયા હતા.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી સમગ્ર ભારતમાં ૧લી ડિસેમ્બર-૨૦૧૮થી ખેડૂતોની આવક વધારવા અને તેમના સર્વાંગી કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરાઈ હતી. આ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ૫ લાખ ખેડૂતોને ૧૮ હપ્તામાં ૧૪૭૬ કરોડની સહાય પ્રાપ્ત થઈ ચૂકી છે. જ્યારે આજે ૧૯મો હપ્તો જમા થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, આ યોજના હેઠળ ખેડૂતોને લઘુત્તમ આવકના આધાર તરીકે પ્રતિ વર્ષ ૬ હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવે છે. સરકારે જગતના તાતની ચિંતા કરીને ટેકાના ભાવ સહિત અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે જેનો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *