બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામે વાસણા રોડ પર આવેલી જગ્યામાં વિશાળ પાણી સંગ્રહાલય બનાવવા રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી અપાયા બાદ ગુજરાત સરકારના બજેટમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ પ્રાણી સંગ્રહાલય માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા તે નક્કી કરાયું નથી. ડીસામાં રાજ્યનું સૌથી મોટું અને અમદાવાદના કાંકરિયામાં આવેલા પ્રાણી સંગ્રહાલય કરતા પણ મોટું સંગ્રહાલય બનવાનું છે. વન વિભાગ દ્વારા પ્રાણી સંગ્રહાલયને લઈને છ માસ અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હતી.
જુનાડીસા ગામે વાસણા રોડ પર 450 વીઘા જમીનમાં વિશ્વ કક્ષાએ જેની નોંધ લેવાય તેવું રૂપિયા 300 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનવાનું છે. બનાસકાઠાના પટ્ટામાં અનેક પ્રવાસન સ્થળો આવે છે. અંબાજીથી લઈને જેસોર રિંછ અભ્યારણથી છેક નડાબેટ બોર્ડરનો વિકાસ થઈ રહ્યો છે. જેમાં પણ હવે ડીસામાં પ્રાણી સંગ્રહાલય બનાવવાની રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં જાહેરાત કરી હતી. આજના બજેટમાં વન અને પર્યાવરણ વિભાગમાં કુલ રૂપિયા 3140 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોની જોગવાઈ કરાઈ છે. પરંતુ જુનાડીસાના પ્રાણી સંગ્રહાલય માટે ચોક્કસ કેટલી રકમ ફાળવાઇ તે અંગેની જાહેરાત તેઓએ કરી ન હતી.