હિંમતનગરના હુસેની ચોકમાં આવેલા બેગમ ફ્રાય સેન્ટરમાં ગુરુવારે સાંજે 5 વાગ્યાના સુમારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મદ્રેસા હાઈસ્કૂલ સામે આવેલા આ ફ્રાય સેન્ટરના રસોડા વિભાગમાં રાંધણ ગેસના સિલિન્ડરની પાઈપમાં લીકેજ થવાથી આખા રસોડામાં ગેસ ફેલાઈ ગયો હતો. દરમિયાન અજાણતાથી એક વ્યક્તિએ ગેસની સગડી સળગાવતાં આખું રસોડું આગની લપેટમાં આવી ગયું હતું અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો.
આ દુર્ઘટનામાં રસોડામાં કામ કરતા 19થી 30 વર્ષની વયના 6 કર્મચારીઓ દાઝી ગયા હતા. તેમાંથી બે વ્યક્તિ 65-65 ટકા જેટલા ગંભીર રીતે દાઝ્યા છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ 8થી 32 ટકા સુધી દાઝ્યા છે. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં હિંમતનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે રસોડામાંથી કુલ 9 ગેસ સિલિન્ડર બહાર કાઢ્યા હતા. હવે ફાયર વિભાગ દ્વારા ફ્રાય સેન્ટરમાં સલામતીના સાધનો અને NOC સંબંધિત નિયમોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.