કોનું કોનું સમર્થન? સીઆઇડી ક્રાઈમ દ્વારા તપાસ શરૂ: રાજ્યમાં ઘણી વખત એવી લોભામણી પોન્ઝી સ્કીમ્સ ચાલતી હોય છે. જેની લાલચમાં આવીને લોકો પોતાની મૂડી દાવ પર લગાવી દે છે. અને પાછળથી ઠગાઈ જાય છે. થોડા દિવસ પહેલા સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ બિઝેડ ગ્રૂપ દ્વારા લોકો સાથે ઠગાઈ કરવામાં આવી હતી.જેમાં તેનો સંચાલક ભુપેન્દ્ર ઝાલા રોકાણકારોના 6000 કરોડ રૂપિયા લઈને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સીઆઇડી ક્રાઇમ દ્વારા ભુપેન્દ્ર ઝાલાની મહેસાણાથી ધરપકડ કરવામાં આવી હતી. હવે ભુપેન્દ્ર ઝાલાના મળતિયાઓ ભુપેન્દ્ર ઝાલાને સમર્થનમાં મોટા હોર્ડિંગ લગાવી રહ્યા છે.
બિઝેડના ભુપેન્દ્ર ઝાલાના સમર્થનમાં ઠેર-ઠેર હોર્ડિંગ લાગ્યા છે. ‘વી સપોર્ટ બિઝેડ’ ના લખાણ ફોટા સાથે, અમે ભુપેન્દ્ર ઝાલાની સાથે છીએ, તેવા હોર્ડિંગ લાગ્યા છે. જેમાં મોડાસા-રાજેન્દ્રનગર હાઇવે પર 50 વધુ હોર્ડિંગ જોવા મળ્યા છે. ભુપેન્દ્ર ઝાલા હાલ પોન્ઝી સ્કીમના આરોપસર જેલમાં છે. પણ હોર્ડિંગમાં કોણ સમર્થન કરી રહ્યું છે? જેનો ઉલ્લેખ ન હોવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વિસ્તારમાં એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે, કે લોકો ભુપેન્દ્ર ઝાલાને સમર્થન કરી રહ્યા છે. અને મળતિયાઓ ભેગા થઈને સીઆઇડી અને સરકાર પણ દબાવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હવે સીઆઇડી ક્રાઇમ આ હોર્ડિંગ્સ લગાવનારાઓની તપાસ કરી રહી છે, અને તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે છે.