તારાનગર બાવરી ડેરામાં અઢી વર્ષની બાળકી હત્યા કેસ,પુરાવાના અભાવે આરોપી દોષમુક્ત: પાલનપુરના માનસરોવર રોડ પર તારાનગર બાવરી ડેરામાં એકાદ વર્ષ અગાઉ એક અઢી વર્ષીય ગુમ દીકરીનો રહસ્મય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે ચકચારી હત્યા કેસના આરોપીને ડિસ્ટ્રીકટ સેસન્સ કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો. પાલનપુરમાં માનસરોવર ફાટક પાસે તારાનગર બાવરી ડેરામાંથી ડિસેમ્બર 2023માં અઢી વર્ષની બાળકી ગૂમ થઈ હતી. જે ગૂમ બાળકીની બે કલાકની શોધખોળ ના અંતે ઘર નજીક અવાવરૂ જગ્યાએથી લાશ મળતાં બાવરી પરિવારમાં રોકકળ મચી ગઇ હતી.
જોકે, બાવરી સમાજની માસૂમ દીકરીનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમાજની બહેનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. બહેનો રેલી સ્વરૂપે ડીએસપી કચેરીએ પહોંચી હતી. જ્યાં હત્યારાઓને ફાંસી આપવાની માંગ સાથે ભારે રોષ ઠાલવ્યો હતો. આ બહુ ચર્ચિત કેસમાં પોલીસે બાળકીને ઘરે સુતેલી હાલતમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારનાર 29 વર્ષીય આરોપી રવિભાઈ લક્ષ્મણભાઈ વઢિયાર(બાવરી)ને ઝડપી લીધો હતો. જે કેસ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રીક કોર્ટે કેસમાં કોઈ આઈ વિટનેસ ન હોઈ પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હોવાનું આરોપીના વકીલ વિજય મોદીએ જણાવ્યું હતું. આમ, પાલનપુરમાં ચકચારી બનેલા માસૂમ દીકરીના મર્ડર કેસનો આરોપી પૂરતા પુરાવા ના અભાવે નિર્દોષ છૂટ્યો હતો.