પુનઃનિર્માણ કરી વસવાટ કરાવવા મુદ્દે સ્થાનિકોનું લેખિત આવેદન: મહેસાણા શહેરનો પ્રદુષણ પરા વિસ્તાર છેલ્લા કેટલાક દિવસોથી શહેરભરમાં ચર્ચાનું વિષય બનેલું છે. થોડા દિવસો અગાઉ પરા વિસ્તારમાં આવેલ પ્રદુષણ પરામાં દારૂના બુટલેગર રમેશ માળી દ્વારા પાટીદાર યુવક પર કરવામાં આવેલા કથિત હુમલા બાદ સ્થાનિક રહીશોએ હલ્લાબોલ મચાવી ધારાસભ્ય સહિત મહાનગરપાલિકાન અને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા બુટલેગર રમેશ માળીનું ઘર સરકારી જમીન પર દબાણ કરેલ હોઈ મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ચલાવી તોડી પાડવામાં આવ્યું હતું. જે કાર્યવાહી બાદ સમગ્ર પ્રદુષણ પરાના સ્થાનિક રહેવાસીઓમાં કાયદેસરનો ફફડાટ વ્યાપી ગયો હતો કે પરા વિસ્તારના પાટીદારો દ્વારા આખાય પ્રદુષણ પરાને ખાલી કરાવવા માટે જુદા જુદા પેંતરા અપનાવી ખોટી અરજી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રદુષણ પરામાં છેલ્લા 50 વર્ષ કરતા પણ વધુ સમયથી નાના મોટા ધંધા રોજગાર તેમજ મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા આશરે 500 થી પણ વધુ પરિવારોના લગભગ 2000 જેટલી વસ્તી ધરાવતો વિસ્તાર છે. પ્રદુષણ પરાના આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લાઈટ બીલ ધરાવતાં સરકારી તેમજ અર્ધસરકારી તમામ દસ્તાવેજો ધરાવતાં લગભગ 400 થી 500 જેટલા કાચા પાકા મકાન આવેલા છે જેમના સરનામા પણ આજ પ્રદુષણ પરાના નામે દસ્તાવેજોમાં પ્રમાણિત કરેલા છે.
મહેસાણા નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળતા પ્રદુષણ પરા વિસ્તારમાં રહેતા રહીશોને ખાનગી રહે જાણવા મળેલ કે પ્રદુષણ પરાના રહીશોના ઘર પર બુલડોઝર કાર્યવાહી થવાના સંકેત છે, તેમના રહેણાક વિસ્તારના તમામ કાચા પાકા મકાનોને દૂર કરી દબાણ હટાવવા માટે વિવિધ પ્રકારના વિરોધ દર્શાવતી અરજીઓ કરવામાં આવેલ છે જે અનુસંધાને પ્રદુષણ પરાના ગરીબ અને મજૂરીકામ કરતા અને 2 હજાર જેટલી વસ્તી ધરાવતા આ વિસ્તારના 500 થી વધુ પરિવારો પર રસ્તે રઝળી પાડવાનો ભય તોળાઈ રહ્યો છે.
આવા સમયે જો પ્રદુષણ પરા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે તો સમગ્ર વિસ્તારના રહીશોને નિરાધાર અને ઘર વિહોણા બની જવાનો વારો આવે તેમ હોઈ પ્રદુષણ પરાના સ્થાનિકોએ એકત્ર થઈને સમગ્ર વિસ્તારમાં દબાણ ન હટાવવા લેખિત અપીલ કરી છે અને જો તેમ છતાં પણ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવાની થતી જ હોય તો સમગ્ર પ્રદુષણ પરાના રહીશોને કાયમી ધોરણે સ્થાયી થઈ શકે તેવા મકાન ફાળવવામાં આવે અને ત્યાં સુધી આ વિસ્તારના દબાણો કે મકાનો દૂર કરવાની કાર્યવાહી પર રોક લગાવી પુનઃ નિર્માણ કરી વસવાટ કરાવવા આવે તે બાબતે સમગ્ર પ્રદુષણ પરા વિસ્તારના સ્થાનિકોએ સહી કેમ્પઈન ચલાવી આવેદન આપ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા પ્રદુષણ પરાના સ્થાનિકોની માંગણીને સંતોષવામાં આવે છે કે પછી એ રહીશોને રસ્તે રઝળતા મૂકી દેવામાં આવશે???